અમદાવાદ-

શહેરમાં પરિણીતાઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. શહેરમાં વધુ એક પરિણીતા પોતાના ઉપર થતાં પતિના અત્યાચાર સામે હારી ગઈ હતી. અને આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો.

અમદાવાદ શહેરના ચાંદલોડિયામાં રહેતી 24 વર્ષની વધુ એક મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને મોતને ગળે લગાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના 28મી ફેબ્રુઆરીએ બની હતી. જે બાદ મૃતકના પતિ સામે સોલા પોલીસ સ્ટેશનમાં આપઘાતની ઉશ્કેરણી કરવા બદલનો ગુનો નોંધાયો છે.

મૃતક મનિષા આહીરના પિતા મણીરામ આહીરે પોલીસ સમક્ષ નોંધાવેલી એફઆઈઆર પ્રમાણે, તેમની દીકરીને તેનો પતિ રાહુલ કુશવારા (ઉંમર 25) રોજ માર મારતો હતો અને તેને પરેશાન કરતો હતો. રાહુલને કોઈની સાથે આડાસંબંધો છે અને આ વાતની જાણ મનિષાને થતાં તેણે આ સામે વાંધો ઉઠાવ્યો હતો. મનિષાના પિતા મૂળ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના વતની છે જ્યારે રાહુલ રાજસ્થાનના કોટાનો રહેવાસી છે અને હાલ ચાંદલોડિયામાં રહે છે.

છ ભાઈ-બહેનોમાંથી સૌથી મોટી મનિષા 2017માં જ્યારે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે તે રાહુલને મળી હતી. દહેજમાં રાહુલે મનિષાના પિતા પાસેથી બાઈક માગી હતી, જે આપવામાં પણ આવી હતી. જ્યારે મનિષા રાહુલ સાથે અમદાવાદમાં રહેતી હતી ત્યારે તેનું ચક્કર સંગીતા નામની મહિલા સાથે ચાલતું હોવાની જાણ તેને થઈ હતી. જ્યારે તેણે આ સામે વાંધો ઉઠાવ્યો તો રાહુલ મોટાભાગે રોજ તેની સાથે મારઝૂડ કરતો હતો.

23મી ફેબ્રુઆરીએ, મનિષાએ રાહુલના ચક્કર વિશે તેની નાની બહેનને જાણ કરી હતી. વાતચીતમાં મનિષાએ તેની બહેનને તેમ પણ કહ્યું હતું કે, તે રાહુલની સતામણીથી પરેશાન થઈને આપઘાત કરી લેશે.