વડોદરા, તા. ૧૦ 

ગઈકાલે રાત્રી દરમ્યાન શહેરને ધમરોળી નાંખનાર વરસાદને કારણે શહેરમાં જુદી જુદી જગ્યાઓએ ત્રણ મકાન ધરાશાયી થઇ ગયા હતા. આ ત્રણ મકાનો પૈકી જ્યુબિલીબાગ પાસેના મકાનમાં ત્રણ લોકો ફસાઈ ગયા હતા. જેઓને ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણ પૈકી એક વ્યક્તિને નાનીમોટી ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યારે અન્ય બે બનાવોમાં કોઈ જાનહાની થઇ નહોતી. ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ માંડવી સ્થિત સયાજી સ્કુલ સામે આવેલ કુબેરભાઈચંદની પોળમાં આવેલા એક જર્જરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા લાશ્કરો દ્વારા સ્થળ પર પહોંચીને કામગીરી કરવામાં આવી હતી. જોકે, આ મકાન છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાથી ત્યાં કોઈ રહેતું નહોતું. જેના કારણે કોઈ જાનહાની થઇ નહોતી. બીજા બનાવમાં, કાલુપુરાના નાકે આવેલ સત્યવીજાય હોટલની સામેના એક મકાનનો ભાગ પડી ગયો હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળતા લાશ્કરો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પાર પહોંચીને તપાસ કરતા મકાનના પહેલા માળની બાલ્કની ધરાશાયી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ બનાવમાં પણ કોઈને ઈજાઓ પહોંચી ન હતી. 

જ્યુબિલીબાગ સામે બોમ્બે મોટર્સની ગલીમાં ગતરાત્રે એક વાગે મકાન ધરાશાયી થયું હતું. આ મકાનમાં રહેતા કિશોર હીરાલાલ રાણા, સતીશ હીરાલાલ રાણા તેમજ અરુણાબેન રાણા મકાનમાં જ ફસાઈ ગયા હોવાની જાણ ફાયરબ્રિગેડને કરાઈ હતી. જેથી દાંડિયાબજાર ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ પર પહોંચ્યા હતા અને ઘરમાં ફસાયેલા ત્રણેયને બહાર કાઢ્યા હતા. ત્રણ લોકો પૈકી કિશોરભાઈને ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ક્યા સ્થળોએ ઝાડ પડયાં

• છાણી જકાતનાકા, આંબેડકરનગર સામે • વાડી, સ્વામિનારાયણ મંદિર પાસે • સુભાનપુરા, ઝાંસી કી રાણી સર્કલ પાસે • ફતેપુરા, કોયલી ફળિયું

• ગોત્રી, અંબિકાનગર પાસે • સરદાર એસ્ટેટ, વિનય ગરબા ગ્રાઉન્ડ બહાર • ફતેપુરા, કોયલી ફળિયામાં ભાગવત ચોક ખાતે • જેતલપુર રોડ, કલ્યાણ જવેલર્સ શોરૂમ સામે • સુલેમાની કબ્રસ્તાન પાસે • લાલ અખાડા, ગણપતિ મંદિર પાસે • પંચવટી સોસા. ગોરવા રિફાઇનરી રોડ • વડસર ગામ, રોયલ વીલા પાસે • લક્ષ્મીપુરા ગામ, સરકારી સ્કુલની બાજુમાં.