વડોદરા, તા. ૨

બેંગ્લોરથી ગોવા અને દમણ ફરવા માટે ભાડાની કારમાં નીકળેલા બે લુંટારાઓએ ગત ૧લી જાન્યુઆરીની રાત્રે શહેર નજીક એક્સપ્રેસ હાઈવે પર કારચાલકને ધક્કો મારીને કારની લુંટ કરી હતી. આ બનાવમાં પીસીબી પોલીસે આજે લુંટ કરેલી કારમાં પસાર થઈ રહેલા એક લુંટારાને ઝડપી પાડ્યો હતો.

બેંગ્લોરમાં રહેતો ૩૨ વર્ષીય સંતોષ શ્રીનિવાસ પોતાની માલિકીની સ્વીફ્ટ ડિઝાયર કારમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. ગત ૩૦ ડિસેમ્બરના સવારે તેની કારમાં બેંગ્લોરથી બે યુવકો ગોવા-દમણ ફરવા માટે ભાડુ નક્કી કરીને કારમાં બેઠા હતા અને તેઓએ હુબલી, પુના અને ત્યારબાદ દમણ રોકાઈને ડિઝલ ભરાવવા તેમજ ચા-નાસ્તો કરવા માટે ડ્રાઈવર સંતોષને વારંવાર નાણાં આપી વિશ્વાસમાં લીધો હતો. થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે તેઓ દમણથી સુરત જવાનું કહીને સંતોષને કારની પાછળની સીટ પર આરામ કરવા માટે મોકલ્યો હતો અને તે પૈકીના આધેડ ગઠિયાએ કાર હંકારી હતી. સંતોષકુમાર ઘસઘસાટ સુઈ જતા તેઓ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર આવ્યા હતા અને લઘુશંકાના બહાને સંતોષને કારમાંથી બહાર કાઢી તેને ધક્કો મારીને કારની લુંટ કરી ફરાર થયા હતા.

આ બનાવની છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા અન્ય એજન્સી પણ તપાસમાં જાેડાઈ હતી. દરમિયાન પીસીબી પોલીસને આજે માહિતી મળી હતી કે આ લુંટમાં વપરાયેલી કાર સાંચોરથી વાપી જવાની છે. આ બાતમીના પગલે પોલીસે દશરથ ગામ પાસે જીએસએફસી ગેટ સામે વોચ ગોઠવીને ઉક્ત કારને ઝડપી પાડી હતી. પોલીસે હાલમાં વાપીના રામનગરમાં રહેતા કારચાલક શ્રવણ કલરામજી બિશ્નોઈ (ઝાબ ગામ, તા.સિતલવાના, ઝાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં તે અને રાજસ્થઆનના બાડમેરમાં રહેતા તેના સાગરીત જયકિશન મેઘવાલે મળીને કારની લુંટ કરી હોવાની કબુલાત કરી હતી. આ કબૂલાતના પગલે પોલીસે શ્રવણની અટકાયત કરી તેની પાસેથી સ્વીફ્ટ ડિઝાયર કાર અને મોબાઈલ ફોન સહિત ૨.૮૭ લાખની મત્તા કબજે કરી તેન છાણી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.