વડોદરા-

પ્રસિદ્ધિ અને પૈસા માટે જાણીતા ક્રિકેટ જગતથી અંજાઈને દરેક પેરેન્ટ્‌સ પોતાના સંતાનને ક્રિકેટર બનાવવા માંગે છે. પણ આ ફિલ્ડની વરવી વાસ્તવિકતા સામે આવી છે. એક સમયે ક્રિકેટમાં 35 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર આજે બેરોજગારીથી પરેશાન થયા છે. ભારતીય દિવ્યાંગ ક્રિકેટ ટિમના પૂર્વ કેપ્ટન ઇમરાન જીવનનિર્વાહ માટે લારી ચલાવવા મજબૂર બન્યા છે. ગુજરાન ચલાવવા મૂંગ ચાટની લારી ખોલી લોકડાઉનમાં એ આવક પણ છીનવાઈ ગઈ. દિવ્યાંગ ક્રિકેટર ઇમરાન શેખે ત્રણ એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી દેશનું ગૌરવ વધાર્યું હતું. વર્ષ 2018 માં વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. ત્યારે ઇમરાન શેખે સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. પરંતુ આશ્વાસન સિવાય તેઓને કંઈ હાથ લાગ્યું નથી.

ક્રિકેટની રમતમાં ભારતને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવનાર વડોદરાના 35 વર્ષીય દિવ્યાંગ ક્રિકેટર બેરોજગારીથી પરેશાન છે. સરકારી સહાયના અનેક આશ્વાસનો તેમના માટે પોકળ સાબિત થયા છે. ભારત માટે ત્રણ એશિયા કપ અને એક ચેમ્પિયન ટ્રોફી રમી દેશનું ગૌરવ વધારનાર ભારતીય ડેફ એન્ડ મ્યુટ ટીમના પૂર્વ કેપ્ટન ઇમરાન શેખ લારી ચલાવી જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા છે. તાંદલજા વિસ્તારમાં રહેતા ઇમરાન શેખએ ભારતીય ડેફ એન્ડ મ્યુટ ક્રિકેટ ટીમમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગૌરવ અપાવ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા બાદ એશિયા કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉમદા પ્રદર્શન કરી વિજય મેળવનાર ઇમરાન શેખ હાલ રોજગારી મેળવવા માટે વલખા મારી રહ્યાં છે. ઇમરાનને સરકાર સહાય કરશે તેવા અનેક આશ્વાસન માંડ્યા છે. પરંતુ તે માત્ર આશ્વાસન જ સાબિત થયા છે. નાછૂટકે તેઓએ શહેરના વાસણા રોડ અને ત્યાર બાદ કમાટીબાગ સામે મૂંગ ચાટની લારી ખોલવાનો વારો આવ્યો છે. હાલમાં થયેલા લોકડાઉનમાં ઘરાકીના અભાવે છેલ્લા ચાર મહિનાથી લારી બંધ હોવાના કારણે તેની સીધી અસર ઇમરાનની આર્થિક સ્થિતિ પર થઈ છે.