રાજપીપળા,તા.૬

વડોદરા જિલ્લાના નારેશ્વર નજીક રેતી ભરેલી ટ્રકની અડફેટે ત્રણ લોકોના કરૂણમોતની ઘટના બાદ ભરૂ જિલ્લા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કરજણ મામલતદાર અને સર્કલ ઓફિસરનો જાહેરમાં ઉધડો લીધો હતો.મનસુખ વસાવાએ અધિકારીઓને બેફામ ગાળો ભાંડી હોવાના આક્ષેપ સાથે રાજય ભરના મામલતદારો એમની વિરુદ્ધ હાલ આંદોલન કરી રહ્યાં છે.આ આંદોલન પાછળ રાજ્યના રેતી અને જમીન માફિયાઓ તથા ખાણ ખનીજ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ, રાજકીય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યાં હોવાનો આક્ષેપ સાથે મનસુખ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક સનસનીખેજ પત્ર લખવામાં આવ્યો છે.

સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને સંબોધી લખેલા પત્રમાં જણાવ્યા મુજબ તમે ગુજરાતમાં રેતી, જમીન માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો છો એટલે ગેરકાયદે રેતી અને માટીનું ખનન કરતા માફિયાઓમાં ગભરાહટ ફેલાયો છે. સમગ્ર ગુજરાતમાં બેનંબરી ધંધાઓ બંધ થઈ ગયા છે. દરમિયાનમાં નારેશ્વરમાં અકસ્માતની ઘટના બાદ રેતી-ખનીજ-જમીન માફિયાઓ મનસુખ વસાવા માફી માંગે એવું અધિકારીઓ પર દબાણ લાવી રહ્યાં છે.નારેશ્વર વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ પણ ૫૦-૬૦ ટ્રકો રોયલ્ટી વગર રેતી ભરીને ઉભી હતી.એ ટ્રકોનું પંચનામું થાય એવી લોકોની માંગ વચ્ચે મેં ઉપસ્થિત અધિકારીઓને પંચનામું કરવા જણાવ્યું પણ એમની પર પણ રાજકીય આગેવાનો અને ખાણ ખનિજના ઉચ્ચ અધિકારીઓનું દબાણ હતું એ જ કારણે મેં અધિકારીઓ સાથે ઊંચા અવાજથી વાત કરી હતી.

હું વર્ષોથી ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાંથી થતું રેતી ખનન અટકાવવા સંઘર્ષ કરી રહ્યો છું.જ્યારે કેટલાક સજ્જનો આડકતરી રીતે રેતી-જમીન માફિયાઓને બચાવવા મેદાને પડ્યા છે.ગુજરાતના મામલતદારો રેતી-જમીન માફિયાઓના કહ્યા મુજબ “મનસુખ વસાવા માફી માંગે” તેવું આંદોલન ચલાવી રહ્યા છે.