આણંદ : એકબાજુ કોરોના મહામારીમાં લોકડાઉન પછી ચાર-ચાર અનલોક આવી ગયાં છતાં હજુ સુધી જનજીવનની ગાડી પાટા પર ચડી નથી ત્યાં ટામેટાં અને ડુંગળીએ ભેગાં મળીને લોકોને રડાવવાનું શરૂ કરી દીધું છે. આગામી સમયમાં ડુંગળીની કૃત્રિમ તંગી ઊભી કરીને ડુંગળી ૧૦૦ રૂપિયે કિલોએ પહોંચાડવાની સિન્ડિકેટ રચાઈ હોવાની સરકારને શંકા હતી. એક તરફ ભારે વરસાદને કારણે શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે. શાકભાજીની તંગી વચ્ચે ભાવો આસમાને છે ત્યારે ગરીબોની કસ્તુરી ડુંગળીના ભાવોમાં આવેલા ઉછાળાએ ગરીબ અને મધ્યમ વર્ગની કેડ ભાંગી નાખી છે. ડુંગળીની નિકાસ પર સરકારના પ્રતિબંધનો ખેડૂતો અને વેપારીઓ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં તેની માર્કેટ પર કેવી અસર પડે છે, તેનાં પર બધો મદાર રહેલો છે. 

એક તરફ ટામેટાંના ભાવ રોકેટ ગતિએ ઉપર જઈ રહ્યાં છે. ટામેટાંનો ભાવ કિલોએ રૂ.૭૦ થઈ ગયો છે ત્યારે ડુંગળીના કિલોએ રૂ.૪૦ બોલાઈ રહ્યાં છે. ખરેખર આ બંને વસ્તુ રૂ.૨૦ની કિલો લેવાં પણ લોકો તૈયાર હોતાં નથી. તેનાં ભાવ આજે આસમાને પહોંચી ગયાં છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ, કેન્દ્ર સરકારે બં દિવસ પૂર્વે જ ડુંગળીના વધતાં ભાવને લઈને તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બીજી તરફ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે. આણંદની મોટી શાકમાર્કેટમાં ડુંગળીનો ભાવ ૪૦ રૂપિયે કિલોએ પહોંચી ગયો છે. બે દિવસ પહેલાં આ જ ડુંગળી ૨૫ રૂપિયે કિલો મળતી હતી. આવી જ રીતે છેલ્લાં થોડા દિવસોમાં ટામેટાંનો ભાવ રૂ.૩૦ કિલોથી વધતાં વધતાં આજે રૂ.૭૦ કિલો થઈ ગયો છે. આ બંને વસ્તુના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. આણંદની શાકમાર્કેટમાં આજે ડુંગળીનો ભાવ ૪૦ રૂપિયે કિલો અને અઢી કિલોના રૂ. ૮૦ બોલાયો હતો.

આણંદ શાકમાર્કેટના હોલસેલ વેપારીઓનું જણાવવું છે કે, છેલ્લાં કેટલાંક સમયથી કર્ણાટક, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે ડુંગળીનો પાક ધોવાઈ ગયો છે. અતિવૃષ્ટનું કારણ આગળ ધરીને ડુંગળીની અછત સર્જવામાં આવી રહી છે. ડુંગળીના ભાવોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ બાબત સરકારના ધ્યાને આવતાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

આણંદની મોટી શાકમાર્કેટમાં નાસિક, પૂણે, મધ્યપ્રદેશ, કાઠિયાવાડમાંથી મોટાપાયે ડુંગળીની ટ્રકો ભરીને સામરખા ચોકડીએ આવેલી મોટી શાકમાર્કેટમાં ઠલવાય છે.

ભારતમાંથી ડુંગળી પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ, મલેશિયા અને ગલ્ફના દેશોમાં નિકાસ થાય છે. હતી. એપ્રિલ-જૂન મહિનામાં જ ૨૦ કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતાં જ અછત ઊભી કરવાની સિન્ડિકેટ પર તવાઈ આવી છે. ભાવો વધવાની જે ભીતિ સેવાઈ રહી છે તેનાં પર અંકુશ આવી જશે.

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો નારાજ

ડુંગળીના ભાવમાં વધારો થતાં જ ધરતીપૂત્રો રાજી થઈ ગયાં હતાં. જાેકે, સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દેતાં હવે ભાવો ગગડી જવાની પૂરેપૂરી શક્યતાને જાેતાં ધરતીપૂત્રો નારાજ થઈ ગયાં છે.

સંગ્રહખોર વેપારીઓ હવે નવો દાવ ખેલશે

ડુંગળીનો મોટો જથ્થો હોવાછતાં પણ મોટા વેપારીઓ દ્વારા તેનો સંગ્રહખોરી કરીને ખેડૂતોને આગળ ધરીને નફો કમાવાની સિન્ડિકેટ ચાલી રહી છે. ડુંગળીનું સૌથી મોટુ બજાર નાસિકમાં આવેલું છે. સરકારના નિર્ણયને અહીં વેપારીઓને પેટમાં દુઃખ્યું છે. તેઓે હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

લોકડાઉનને કારણે ટામેટાંના ભાવમાં ભડકો!

દિલ્હીમાં ટામેટાંનો ભાવ કિલોએ ૮૦થી ૮૫ રૂપિયા થઈ ગયો છે. ઘણાં સ્થળોએ ટામેટાં ૯૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યાં છે. યુપી, એમપી  અને રાજસ્થાનમાં પણ ટામેટાંનો આ જ ભાવ ચાલી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, ટામેટાં વધુ વરસાદ સહી નથી શકતા અને ખરાબ થઈ જાય છે. આ વર્ષે ટામેટાંનો ભાવ વધવાનું કારણ લોકડાઉન પણ એક પરિબળ હતું.