નિરજ પટેલ / વડોદરા : કોરોનાને કારણે લૉકડાઉન દરમિયાન ઓનલાઈન શિક્ષણ માટે જરૂરી બનેલા મોબાઈલ ફોનથી સગીર વયના વિદ્યાર્થીઓ ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળ્યા હોવાનો આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. ૧૦મા ધોરણમાં ભણતા સગીર વયના પુત્ર દ્વારા પિતાના પેટીએમ એકાઉન્ટમાં દોઢ લાખ જેવી માતબર રકમ જમા કરાવતાં ચોંકી ઊઠેલા પિતાએ તપાસ કરતાં પુત્રના મિત્રોએ મોબાઈલની ઓનલાઈન ગેમિંગમાં ગેરરીતિઓ કરી આ રકમ એકઠી કરી હોવાનું બહાર આવતાં પિતાએ મકરપુરા પોલીસ મથકે પહોંચી જઈને ફરિયાદ નોંધાવી છે. 

શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી સ્કૂલના ૧૦મા ધોરણમાં ભણતા સગીરો ઊંચા કમિશન અને મોંઘી ગિફટની લાલચ આપી સાથે અભ્યાસ કરતા સગીરોએ દંતેશ્વર વિસ્તારમાં રહેતા સગીર વિદ્યાર્થીને પટાવી-ફોસલાવી એના પિતાનો પેટીએમ એકાઉન્ટ નંબર મેળવી લીધો હતો. ત્યાર બાદ એ સગીરોએ મોટી મોટી રકમ સામાન્ય રોજગાર ધંધો કરનાર પિતાના એકાઉન્ટમાં જાેતજાેતામાં રૂા.૧.૬૦ લાખ જમા થઈ ગયા હતા.

૧૦મા ધોરણમ ભણતા પુત્ર પાસે આઈફોન અને લેપટોપ પણ આવી જતાં પિતાએ આ અંગે પૂછપરછ કરતાં મિત્ર પાસે પડી રહ્યા હતા એટલે વાપરવા માટે આપ્યા છે અને ઓનલાઈન શિક્ષણ માટે જરૂરી છે. શિક્ષણકાર્ય રાબેતા મુજબનું ચાલુ થશે તો પરત આપી દઈશ એમ જણાવતાં પિતાએ વધુ ધ્યાન આપ્યું નહોતું. મિત્રનો જયરત્ન બિલ્ડિંગ પાસે મોટો પ્રોવિઝન સ્ટોર છે અને ખૂબ શ્રીમંત હોવાનું જણાવ્યું હતું. અચાનક ગત તા.૩૦મી ઓગસ્ટે પિતાના ધ્યાન ઉપર આવ્યું હતું કે, પુત્રને મોબાઈલ ઉપર કોઈ ધમકાવી રહ્યું છે અને ઝઘડો કરી બ્લેકમેઈલ કરી રહ્યું છે. ત્યારે પિતાને શંકા જતાં પુત્રની આકરી પૂછપરછ કરતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં જુદી જુદી ઓનલાઈન ગેમિંગમાં સગીરો માત્ર રમતા નહોતા, પરંતુ સારા-સારા કેરેક્ટરો ધરાવતા એકાઉન્ટને હેક કરી એનો આઈડી પાસવર્ડ વેચીને લાખો રૂપિયા કમતા હતા અને એ કમાણી જુદા જુદા સગીરોને લાલચ આપી એમના વાલીઓના પેટીએમ એકાઉન્ટમાં જમા કરાવતા હતા.

પાસવર્ડ આઈડી બદલીને ઊંચી કિંમતે વેચાય છે

સગીરોના કુમળા માનસ ઉપર કબજાે જમાવી બેઠેલી ઓનલાઈન ગેમિંગની પ્રવૃત્તિમાં ડેવલોપરો ગેમ તો ફ્રીમાં રમાડે છે પરંતુ એમાં વિવિધ તબક્કે કેરેક્ટરો, વેપન, આઉટફિટ ખરીદવા પડી છે એના માટે ઈનગેમ મની પરચેઝ કરવા પડે છે. આ ઈનગેમ મની ગૂગલ પ્લે એકાઉન્ટમાંથી કપાય છે. ગૂગલ પ્લે બેન્ક એકાઉન્ટ સાથે જાેઈન્ટ હોય છે એમાં સૌથી વધુ ફિચર્સ ધરાવનારનું ફેસબુક એકાઉન્ટ હેક કરાય છે અને પાસવર્ડ આઈડી બદલીને ઊંચી કિંમતે વેચાય છે એમ જાણકારોએ જણાવ્યું છે.

પોલીસ મથકમાં વાલીએ લેખિત ફરિયાદ આપી

સગીરો દ્વારા મોબાઈલ ફોનનો દુરુપયોગ કરી થતાં ગોરખધંધાની જાણકારી મળતાં જ ચોંકી ઊઠેલા દંતેશ્વરના વાલીએ આ અંગે પીઆઈ મકરપુરાનો સંપર્ક કરી લેખિતમાં ફરિયાદ કરી છે અને વાલીઓને અંધારામાં રાખી સગીરો દ્વારા ઓનલાઈન ગેમિંગના આખા કૌભાંડમાં સંડોવાયેલા અને બ્લેકમેઈલ કરતા સગીરોની ટોળકી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ નંબરો ઉપરથી મોટી રકમના નાણાંની લેવડદેવડ થઈ?

વાલી દ્વારા મકરપુરા પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદમાં જુદા જુદા છ નંબરો દ્વારા આવા વ્યવહાર થયા હોવાનું લેખિતમાં જણાવાયું છે જેમાં વાલીનો નંબર ઉપરાંત જે પ્રોવિઝન સ્ટોરમાંથી વોલેટમાં જમા રૂપિયા થયા છે એનો નંબર ૬૩૫૪૨૭૫૩૫૦ દ્વારા ૯૯૭૯૭ ૮૮૦૭૦ નંબર મોટી રકમો આવી છે. કૌભાંડી સગીરના કહેવાતા કાકાનો નંબર ૯૭૧૨૦ ૭૭૦૬૬ છે. પ્રોવિઝન સ્ટોરનો નંબર ૯૦૩૩૦ ૩૩૨૪૧ છે. હેક કરેલી આઈડી ખરીદનારનો નંબર ૭૦૧૭૫૬૧૩૨૭ છે.