ગાંધીનગર-

કોરોનાના કારણે ગુજરાતમાં ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણને પણ મર્યાદિત કલાકો જ આપવા માટેની એક ગાઈડલાઈન બનાવવામાં આવી રહી છે. જે મુજબ પ્રિ-પ્રાઈમરી માં 30 મિનિટ સુધી, ધોરણ 1 થી 8માં 45-45 મિનિટના બે સેશન. જ્યારે 9થી 12માં 30 થી 45 મિનિટના ચાર સેશનની લિમિટ રાખવામાં આવશે. રાજ્યમાં હાલ દિવાળી સુધી શાળાઓમાં શિક્ષણ ફરી શરૂ થાય તેવી શક્યતા નહીવત હોવાથી હવે જે ઓનલાઈન શિક્ષણને હાલ મહત્વ આપવા ર્નિણય લેવાયો છે. તેમાં પણ હવે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે ઓનલાઈન શિક્ષણ માટેની સમય મર્યાદા નિશ્ચિત કરી છે.  

હાલ જે રીતે કલાકો સુધી અને શાળાઓ રેગ્યુલર જેટલા સમય સુધી એટલે કે 5-6 કલાકનું ઓનલાઈન શિક્ષણ અપાય છે. તેના બદલે બાળકની ઉંમર તથા તે જે ક્લાસમાં ભણે છે તે મુજબ મર્યાદિત જ ઓનલાઈન શિક્ષણ મળશે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીને સ્કૂલ યુનિફોર્મ પહેરવું ફરજીયાત નહીં હોય અને તે બ્રેક પણ લઈ શકશે.

પ્રિ-પ્રાઈમરી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ 30 મિનિટથી વધુ નહીં હોય તેજ રીતે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓમાં બે સેશનમાં 45-45મિનિટના બે વર્ગ સુધી જ મર્યાદિત શિક્ષણ આપી શકાશે તો ધો.9 થી12માં 30-45 મિનિટના વધુમાં વધુ ચાર સેશન રાખી શકાશે. ગુજરાતમાં 1 કરોડ જેટલા સ્કૂલ-કોલેજ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ ભણી વળ્યા છે અને હાલ દરેક શાળાઓ પોતાની સુવિધા મુજબ ઓનલાઈન શિક્ષણ આપી રહી છે. જેમાં અનેક શાળાઓમાં ૩-૪ અને છેક ૬ કલાક સુધી આ પ્રકારનું શિક્ષણ અપાય છે. પરંતુ હજુ બાળકો ઓનલાઈન શિક્ષણમાં માહિતગાર થયા નહીં હોવાથી તે એક બોજારૂપ બની ગયું હતું.