વડોદરા,તા. ૧૭ 

કોરોનાને કારણે શાળા કોલેજો તો બંધ થઇ ગઈ છે. પરંતુ શૈક્ષણિક કાર્ય આગળ ધપાવવા માટે તમામ શૈક્ષણિક સંસ્થાનો ઓનલાઇન માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં એમ.એસ.યુનિ.ની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ ૨૦ જુલાઈ થી શરુ કરવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. એમ.એસ.યુનિ.માં કોરોનાની સ્થિતિ બાદ અનેક ફેકલ્ટીઓમાં ઓનલાઇન શિક્ષણ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. અને શિક્ષકોને તે અંગે ટ્રેનિંગ પણ અપાઈ ગઈ હતી. તબક્કાવાર રીતે યુનિની વિવિધ ફેકલ્ટીઓમાં ઓનલાઇન શિક્ષણ આપવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે, યુનિવર્સીટીની સૌથી મોટી એવી કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસીસ ૨૦ જુલાઇથી શરુ કરવણો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી ઈ - મેલ મારફતે ક્લાસના તમામ વિદ્યાર્થીઓને પાઠવી દેવામાં આવી હતી.

કોમર્સના ઘણા વિદ્યાર્થીઓ મેરીટ બેઝડ પ્રોગ્રેશનના માર્ક્સની વંચિત

હમણાં થોડા દિવસો પહેલા જ કોમર્સ ફેકલ્ટી દ્વારા એફ.વાય અને એસ.વાયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મેરીટ બેઝડ પ્રોગ્રેશનના આધારે પરિણામ જાહેર કર્યા હતા. યુનિ. દ્વારા પરિણામોની જાણકારી વિદ્યાર્થીઓને ઇમેઇલ મારફતે કરવામાં આવી હતી. જોકે, એવા ઘણાબધા વિદ્યાર્થીઓ છે, કે જેઓને ઇમેઇલ મારફતે પરિણામો મળ્યા નથી. જેથી વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપીને પરિણામથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને જલ્દીથી પરિણામ અપાય, તેવી માંગણી કરવામાં આવી હતી.