અમદાવાદ-

મહામારી કોરોનાને કારણે હાલ રાજ્યની તમામ સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આ અંગે વિવાદ શરૂ થયો છે. ઓનલાઈન શિક્ષણ અંગે આજે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા કહ્યું કે, ઓનલાઇન શિક્ષણનો ર્નિણય યોગ્ય છે. વાલીઓને ફી ભરવામાં તકલીફ હોય તો રાજ્ય સરકાર કેમ મદદ નથી કરતી? સરકાર આ મામલે યોગ્ય માળખું ઉભું કરે તો આવા પ્રશ્નો ના ઉપસ્થિત થાય. જ્યારે અરજદારે કહ્યું કે, સરકારનું વલણ શંકાસ્પદ છે.

કોર્ટે ફી મુદ્દે સરકારના વલણને પ્રથમ દર્શનીય રીતે ગેરવ્યાજબી ગણાવ્યું છે. આવતીકાલ કોર્ટ આ મામલે અંતિમ ર્નિણય લઈ શકે છે. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રાજ્યના શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. આ મામલે અનેક વાલીઓએ સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચૂપ બેઠી હતી. જ્યારે વાલીઓ બિચારા બનીને સંચાલકોના દબાણમાં ફી અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી હતી. શાળા સંચાલકો દ્વારા ફી માટે ભારે દબાણ થતા કેટલાક વાલીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં થયેલી આ અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે,

સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને અનુસરશે. વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં બાળકો માટે રીસેસ સાથેના બે સેશન રાખવા તાકીદ કરી છે. ત્યાર બાદ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો ર્નિણય કર્યો હતો. સરકારના આ ર્નિણય બાદ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સોમવારથી ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ૨૭ જુલાઈથી ફરી ઓનલાઇન એજ્યુકેશન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.