અમદાવાદ-

કોરોના વાયરસ સામેના જંગમાં વેક્સિન એ અમોધ શસ્ત્ર છે. જેના ભાગરૃપે દેશનો પ્રત્યેક નાગરિક કોરોના વિરોધી રસી લેવા માટે સરકાર દ્વારા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ ગુજરાતમાં અનેક લોકો વેક્સિનેશન સેન્ટરમાં જાય છે ત્યારે તેમને ત્યાંથી 'અત્યારે વેક્સિનનો સ્ટોક નથી' તેવો જવાબ મળતા નિરાશ થઇને પરત ફરવું પડી રહ્યું છે. આ માટેનું કારણ એ છે કે ગુજરાત પાસે હવે વેક્સિનના 5,01,396 ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યારસુધી વેક્સિનના 1.42 કરોડ ડોઝ મળી ચૂક્યા છે અને જેમાંથી તેણે 1.37 કરોડનો ઉપયોગ કરેલો છે.

ગુજરાતમાં રવિવારની સ્થિતિએ 1,03,27,556 વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે 32,14,079 વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વેક્સિન લીધેલી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર 2020ની સ્થિતિએ ગુજરાતની વસતી 6.94 કરોડ છે. ગુજરાતમાં 16 જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી 1.35 કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે. આમ, ગુજરાતની કુલ વસતીના 21% દ્વારા જ વેક્સિનના ડોઝ લેવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસ્તી ના 60%થી વધુ લોકો વેક્સિન લઇ ચૂક્યા હોય તે જરૃરી છે.