દેવગઢબારિયા

દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, આગામી નાતાલ પર્વ અને અંગ્રેજી નવા વર્ષની ઉજવણી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જ કરવાની રહેશે. દેવળોમાં તેની બેઠક ક્ષમતાના ૫૦ ટકા લોકો જ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમ કરી શકશે.

નાતાલની શુભકામનાઓ પઠવાતા કલેક્ટર શ્રી ખરાડીએ ઉમેર્યું કે, સુપ્રિમ કોર્ટ અને સરકાર દ્વારા ઉજવણીઓ સંદર્ભે ચોક્કસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તે મુજબ જ તમામ તહેવારોની ઉજવણી કરવાની રહે છે.

દાહોદ જિલ્લામાં આવેલા દેવળોમાં તેની બેઠક ક્ષમતાથી ૫૦ ટકા લોકો જ ઉપસ્થિત રહી નાતાલ સંદર્ભેની ઉજવણી કરી શકશે. આ ઉપરાંત દેવળોમાં પણ સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરવાની રહેશે. દેવળમાં આવનારી વ્યક્તિ માસ્ક પહેરીને આવે, સામાજિક અંતરનું પાલન થાય, હેન્ડ સેનિટાઇઝર રાખવા સહિતની બાબતે પણ તકેદારી રાખવાની રહેશે. માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ પણ પ્રકારની ઉજવણી કરી શકાશે નહી.

તેમણે જણાવ્યું કે, અંગ્રેજી નવા વર્ષ નિમિત્તે ૩૧ ડિસેમ્બરની ઉજવણી લોકોએ ઘરે રહીને કરવી. દાહોદ નગર અને જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ભીડભાડ થાય એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે. અહીં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉજવણી કરવા માટે ભીડ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. અત્રે ઉલ્લખનીય છે કે કોરોનાને કારણે હાલ કફ્ર્યુ હોવાથી લોકો રાતના નવા વાગયા બાદ ઘરમાં જ પુરાઇ રહે છે.