વડોદરા : સમગ્ર રાજ્યમાં જ નહીં, સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર શાંત અને સૌમ્ય ગણાતા ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર કરજણના કુરાલી ગામે સભા પૂર્ણ થયા બાદ મીડિયા કર્મચારીઓની વાતચીત દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જેમાં બીજા દિવસે આ ચપ્પલ ફેંકવામાં કોંગ્રેસનો કાર્યકર સંડોવાયેલો છે એવી જાહેરાત ખુદ ભાજપાએ કરી હતી. આ ચકચારભર્યા કેસમાં ચપ્પલ ફેંકનાર ભાજપાનો કાર્યકર નીકળતાં કોંગ્રેસ પર ધડમાથા વિનાના આક્ષેપો કરનાર ભાજપ ખુદ ભેરવાયો હતો. નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકનાર શખ્સ ભાજપાનો જ સક્રિય કાર્યકર હોવાનું પ્રકાશમાં આવતાં ભાટાઈ કરનારાઓ અને સ્ટન્ટ કરીને મતદાર પ્રજાની લોકચાહના અને સહાનુભૂતિ મેળવવાનો ભાજપનો પ્રયાસ ઊંધા માથે ભોંયભેગો પટકાયો હતો. જેને લઈને ભાજપા માટે મા મને કોઠીમાંથી કાઢ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. એટલું જ નહિ, કરજણમાં મતદારો દ્વારા જાકારો જેવી સ્થિતિમાં મુકાયેલા ભાજપના નેતાઓ માટે કરવા ગયા કંસાર અને થઇ ગઈ થુલી જેવી હાલત થઇ હતી. આને લઈને કોંગ્રેસ પર દોષનો ટોપલો ફેંકી પ્રજાને ઊંંધા ચશમા પહેરાવવાના પ્રયાસમાં ભાજપાની ગણતરી ઊંંધી પડી હતી. નાયબ મુખ્યમંત્રી પર ચપ્પલ ફેંકવાના કેસમાં જેને કોંગ્રેસના કાર્યકર તરીકે બતાવાયો છે એની પાસેથી ભાજપના સક્રિય કાર્યકારનું કાર્ડ મળી આવ્યું છે. જ્યારે એ કોંગ્રેસનો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ રશ્મિન પટેલ પોતે વિધાનસભાની ચૂંટણીમાં કરજણ બેઠકને માટે સતીષ પટેલ નિશાળિયા સામેના દાવેદાર હતા. પરંતુ એમને ટિકિટ મળી નહોતી, જેને લઈને પણ નારાજગીથી ચપ્પલ ફેંકીને વ્યક્ત કરાયાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત રશ્મિન પટેલના પત્ની રશ્મિ પટેલ ગામના સરપંચ છે તેમજ એ પણ ભાજપમાં અત્યંત સક્રિય કાર્યકર તરીકે આજે પણ કાર્યરત છે. આમ આ દંપતીની ભાજપના સમર્પિત કાર્યકરોમાં ગણના થાય છે. ત્યારે તેઓને બદનામ કરવા માટે ભેરવી દેવાયા હોવાનું પણ ચર્ચાય છે. એમના ભોગે કોંગ્રેસ અને એના ઉમેદવારને નિશાન બનાવવા જતા ભાજપાની પોલ ખુલ્લી પડી ગઈ છે.  

રશ્મિન પટેલ અને રશ્મિ

પટેલે પ્રેમલગ્ન કર્યા છે

ભાજપાના રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જે ભાજપના કાર્યકરને કોંગ્રેસના કાર્યકર તરીકે દર્શાવીને ચપ્પલ ફેંક્યું હોવાનું જણાવીને એની સામે આંગળી ચીંધવામાં આવી છે. એ ભાજપાના સક્રિય કાર્યકર રશ્મિન પટેલે પોતાના જ ગામની યુવતી રશ્મિ સોની સાથે જે તે સમયે પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતી ગામના રાજકારણમાં અત્યંત વ્યસ્ત હતું. તેમજ પત્ની ગામના સરપંચ તરીકેનો હોદ્દો ભોગવતી હતી. જેને લઈને તેઓનું ખાસ્સું વર્ચસ્વ પણ હતું. પરંતુ ભાજપાની જૂથબંધીને લઈને આ રશ્મિન પટેલ જેને અત્યંત સરળ

પ્રકૃતિના ગણવામાં આવે છે. એના ખભે કોઈએ બંદૂક ફોડીને બલીનો બકરો બનાવ્યાનું ચર્ચાય છે.

રશ્મિન પટેલે વર્ષ ૨૦૧૦માં શિનોર તા. પં.માં કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી

ચપ્પલકાંડમાં પકડાયેલ રશ્મીન પટેલ વર્ષ ૨૦૧૦માં શિનોર તાલુકા પંચાયતમાં ભાજપાના નિશાન ઉપર ચૂંટાઈને શિનોર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હોવાનો પુરાવા સાથે પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ‘ભાઈ અને ભાઉ’ અને ભાજપાની સત્તાની ખેંચતાણમાં ‘ચપ્પલકાંડ’ જેવી શરમજનક ઘટના બની ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ ઉપર જુતુ ફેંકવા મામલે કોંગ્રેસ પર દોષારોપણ કરવાને બદલે ભાજપાનો કાવત્રાખોર અસલી ચહેરો વધુ એક વખત જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો છે. રાજ્ય ચૂંટણીપંચ તા. ૨૭-૧૦-૨૦૧૦ ના રોજ સત્તાવાર ચૂંટણીના પરીણામોમાં પણ પુરાવા સ્પષ્ટ દર્શાવે. રશ્મીન પટેલના પત્ની શિનોર ગ્રામ પંચાયતના સરપંચ રહી ચુંકેલ છે. ભાજપાના કારનામા – કાવત્રા ખુલ્લા પડી જતા ભાજપાના નેતાઓ બેબાકળા બની ગયા છે. સત્તાની હુંસાતુંસી – ખુરશીખેંચ સ્પર્ધામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલને સન્માન ન આપનાર ભાજપાનું એક જૂથ અપમાન કરવા કમરકસી હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ભાજપાના જુથવાદના કારણે આ ચપ્પલકાંડની ઘટના બની કોંગ્રેસ પર આક્ષેપ કરવાને બદલે ભાજપા ચૂંટણી જીતવા માટે આ પ્રકારના કાવતરા અને કારનામા બંધ કરે અને ગુજરાતની શાંતી ડહોળવાનો પ્રયાસ બંધ કરે.