લદ્દાખ-

રોજ સવારે સેરીંગ આંગ્મો નામની મહિલા પોતાના બે વર્ષના બાળકને પાડોશીઓને ત્યાં મૂકીને પછી લેહ પાસે આવેલા લદ્દાખના એકમાત્ર એલપીજી બોટલીંગ પ્લાન્ટ પર નોકરી માટે જવા નીકળે છે અને તે માટે તેણે 20 કિમી સુધી બરફથી થીજી ગયેલા માર્ગો પરથી સફર કરવી પડે છે, અને ચોગલામસર ખાતે પહોંચવું પડે છે.

આંગ્મો લદ્દાખ ખાતેના આ એકમાત્ર એલપીજી બોટલીંગ પ્લાન્ટને માત્ર 12 મહિલાઓ જ ચલાવે છે અને આ પ્લાન્ટ એટલા માટે ખૂબ જ મહત્વનો છે, કેમ કે હાડ ગાળી નાંખતી ઠંડીમાં પણ ચીની સેના સામે આંખમાં આંખ પરોવીને દેશની સરહદની સુરક્ષા માટે તૈનાત 50,000 જેટલા સૈનિકોને ક્યારેય ભૂખ્યા રહેવાનો વારો ન આવે. આ મહિલાઓની આટલી પડકારજનક છતાં અવિરત સેેવાને પગલે આ સૈનિકોની છાવણીઓમાં ચૂલા સળગી શકે છે. 

અહીં જ્યારે બરફવર્ષાને પગલે દેશના શેષ ભાગથી લદ્દાખનો વિસ્તાર કપાઈ જાય છે ત્યારે આ વિસ્તારમાં એલપીજી માટે આ એકમાત્ર પ્લાન્ટ છે જે ઈંધણનો સ્ત્રોત બને છે અને તેને સરકાર હસ્તકની ઈન્ડિયન ઓઈલ કંપની જ ચલાવે છે. અહીં જેટલી એલપીજી બોટલો રીફીલ થાય છે, એ પૈકીની 40 ટકા બોટલો સેનાની છાવણીઓ માટે જાય છે. માત્ર મહિલાઓ દ્વારા જ જેને ચલાવાય છે એવો ભારતનો આ એકમાત્ર એલપીજી પ્લાન્ટ છે. 

આ મહિલાઓ ઉત્પાદન ઉપરાંત ગુણવત્તા અને વેચાણસેવા એમ તમામ પાસાઓનું ધ્યાન રાખીને કામ કરે છે. અહીં સેતન આંગ્મો નામની એક સિક્યુરીટી ગાર્ડ મહિલા છે, તેના સિવાયની બધી જ મહિલાઓ કોન્ટ્રાક્ટ પર છે અને ભારે સામાનની હેરફેરના કામ માટે પાંચ પુરુષ કામદારો સિવાય બધાં જ ઓપરેશનો મહિલાઓ દ્વારા પાર પડાય છે. 

આ પ્લાન્ટના ઓપરેશનોને પંજાબ પ્લાન્ટથી પૂરા કરાય છે અને અહીંના અધિકારી સંજય ચૌધરી કહે છે કે, મહિલાઓ દ્વારા આવી થીજાવી દેતી ઠંડીમાં પણ પ્લાન્ટ ચલાવાય છે એ વાત જ મહિલા સશક્તિકરણની પૂરતી સાબિતી છે. અહીં રીગઝીન લાડો નામની એક મહિલા લેહથી 35 કિમી દૂરથી આવે છે અને તે કહે છે કે, હું જ્યારે જોડાઈ હતી ત્યારે મને સિલિન્ડરમાં રેગ્યુલેટર કેવી રીતે લગાવવું એ પણ નહોતું આવડતું, પણ હવે મને બધું જ કામ આવડે છે. તે કહે છે કે સૈનિકોની સેવા કરીને તેને દેશસેવા કર્યા જેટલો જ સંતોષ મળે છે. 

પદ્મા સોગ્યાલ નામની મહિલા કહે છે કે, સંરક્ષણક્ષેત્રમાં એલપીજી સપ્લાય કરવાનો હોવાથી તેમાં બમણું ચેકીંગ કરાય છે, અને મારા પરીવારને પણ સંતોષ છે કે, હું આટલું મહત્વનું કામ કરું છું. સિક્યુરીટી ઓફિસર મહિલા આંગ્મો પણ માને છે કે, મહિલાઓ સુરક્ષા અને સલામતિ બાબતે ચોક્કસ અને સતર્ક છે. તેને પગલે આરોગ્ય અને સુરક્ષાનું વાતાવરણ જાળવવું સહેલું બની જાય છે.