નડિયાદ : ખેડા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લાં સાત મહિનાથી પ્રોજેક્ટ યોગપ્રહરી અંતર્ગત સો દિવસ દરમિયાન ૧૦ મિનીટ સુધી પ્રાણાયામ કરવા અપીલ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રોજેક્ટમાં દોઢ હજાર પોલીસ કર્મચારી, અધિકારીમાંથી દોઢ સો જ ૧૦૦ દિવસ પુરા કરી શક્યા હતાં. જેમનું જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર દ્વારા પોલીસ ટીમના સભ્યોની રોગ પ્રતિરાક શક્તિ વધારવા અને કોવિડ -૧૯ મહામારી સામે સારી રીતે લડવા પ્રોજેક્ટ યોગપ્રહરીનો ૧૧મી મે, ૨૦૨૦થી શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટના શરૂઆતમાં દરરોજ ૧૦ મિનિટ માટે યોગીક શ્વાસોચ્છવાસ લેવાની કવાયત એટલે કે પ્રાણાયામ એક પણ દિવસ ચુક્યા વગર કરવાનો પડકારો હતો. જેના પાંચમા તબક્કામાં ૭મી સપ્ટેમ્બર,૨૦૨૦ થી ૧૫મી ડિસેમ્બર,૨૦૨૦ ૧૦૦ દિવસ માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૧૩૨૪ અધિકારી, કર્મચારીએ ભાગ લીધો હતો અને ૬૪૩એ આ પડકાર ૭૫ ટકા ઉપરાંત દિવસો પૂર્ણ કર્યાં હતાં. જ્યારે માત્ર દોઢ હજાર અધિકારી, કર્મચારીઓ ૧૦૦ દિવસ સુધી પ્રાણાયામ કરવામાં સફળ રહ્યાં હતાં. જેમનું જિલ્લા પોલીસ વડાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.