વડોદરા, તા.૨૦ 

સાવલી તાલુકાના અલિન્દ્રા ગામે મંજુસર જીઆઈડીસી દ્વારા સંપાદિત કરાયેલ ખેડૂતોની ૭૫૦ વીગા જેટલી જમીન પર ઊભો પાક હોવા છતાં જેસીબી લઈને કબજાે લેવા માટે જતા ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતાં પાછા જવું પડયું હતું. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ જમીનો પર છેલ્લા ૧૪ વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં કબજાે લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનું તેમજ ખેતીની જમીન સંપાદન અંગે અમને જે તે સમયે કોઈ નોટિસ કે જાણસુધ્ધાં કરવામાં આવી નહીં હોવાનું જણાવ્યું હતું, સાથે સાથે જબરદસ્તીથી જમીન સંપાદન કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

સાવલી તાલુકાના લામડાપુરા, અલિન્દ્રા, ખુશાલપુરા અને ઝુમકાના પર (બાવન) જેટલા ખેડૂતોએ જીઆઈડીસીની કાર્યવાહીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતો પાસેથી ૩૫૦ રૂા. એક ચો.મી.ના ભાડે બળજબરીપૂર્વક જમીન લઈને ૪૫૦૦ રૂપિયાથી ૫૦૦૦ એક ચો.મી.ના ભાવે સરકાર કંપનીઓને આથી વિકાસ કરી રહી છે અને ખેડૂતો સાથે હળહળતો અન્યાય થઈ રહ્યો છે.

ખેડૂત્‌ો ખેતી પર નભતા નાગરિકો છે. જીઆઈડીસી દ્વારા અમારી મરજીવિરુદ્ધ લીધેલા નિર્ણયના કારણે વરસોથી અમોને લોન, સબસિડી અને અન્ય સરકારી યોજનાઓના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે જેથી અમારી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને અતયારે અમોને જે વળતર ચૂકવીને અમારી જમીન છીનવી લેવા જીઆઈડીસીવાળા ઈચ્છે છે તેનાથી અમો આજુબાજ ખેતીલાયક જમીન પણ ખરીદી શકીએ તેમ નથી.

જમીન સંપાદનનું મૂલ્ય પહેલા પણ મંજૂર નહોતું, અત્યારે પણ નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય રહેવાનું નથી. તેથી સરકાર આના પર ત્વરિત નિર્ણય લઈ અમોને બજારભાવ પ્રમાણે ચો.ફૂટના મૂલ્ય ચૂકવે ત્યારે અન્નદાતાઓને યોગ્ય ન્યાય મળ્યો કહેવાય. આ જમીન સંપાદન અમોને બિલકુલ માન્ય નથી અને જાે બળજબરીથી અમારી જમીન સંપાદન કરવામાં આવશે તો અમો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું જે પગલાં લેવા માટે અમોને સરકાર અને જીઆઈડીસી પ્રેરિત કરે છે તેવું માનવામાં આવશે અને પગલાંની તમામ જવાબદારી જીઆઈડીસી તેમજ સરકારની રહેશે તેમ જણાવ્યું હતું.