રાજપીપળા,  ઈકો સેન્સિટિવ ઝોન સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શુલપાણેશ્વર અભિયરણ્ય વિસ્તારમાં લાગુ કર્યું છે, ઈકો સેન્સિટિવ ઝોનમાં નર્મદા જિલ્લાના ૧૨૧ ગામોનો સમાવેશ થતા ઈકો સેન્સિટિવ ઝોનના નામે ૧૩૫ ની કાચી એન્ટ્રી પડાતા આદિવાસીઓમાં વિરોધનો સુર ઉઠ્‌યા છે.કોંગ્રેસ અને બિટીપી પણ એનો વિરોધ કરે છે. 

સરકાર એમ કહે છે કે ઈકો સેન્સિટિવ ઝોનથી આદિવાસીઓને કોઈ નુક્શાન નથી તો બીજી બાજુ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવા માટે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વડાપ્રધાન મોદીને પત્ર લખી રજુઆત કરી છે.મનસુખ વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જાે આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો શુલપાણેશ્વર અભિયરણ્ય અને ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવું જાેઈએ. નર્મદા જિલ્લામાં ઈકો સેન્સિટિવ ઝોન અંગે સમજ આપવા માટે ૧૨૧ ગામોને લાગતી ગ્રામ પંચાયતમાં ખાસ ગ્રામસભાઓનું ૨૮/૧૨/૨૦૨૦ થી ૬/૧/૨૦૨૧ દરમિયાન આયોજન પણ કર્યું છે.ગુજરાત ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ મોતીસિંહ વસાવા અને નર્મદા ઝોન સરપંચ પરિષદ પ્રમુખ નિરંજન વસાવાએ એવું આહવાન કર્યું છે કે “ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતા ૧૨૧ ગામોના વિસ્તારના ખેડૂતોની માલિકીની જમીનનો નમૂના ૭/૧૨, ૮/અ અને નમુના નંબર ૬ માં ઈકો સેન્સીટીવ ઝોનની એન્ટ્રી પડવાની છે તેને ધ્યાનમાં રાખીને સરપંચે ગ્રામસભામાં વિરોધ કરતો ઠરાવ ગ્રામજનો અને ખેડૂતોની મંજૂરીથી પસાર કરશો”. હવે સાગબારાની અમિયારા ગ્રામ પંચાયતમાં મળેલી ખાસ ગ્રામસભાએ ઈકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ કરતો ઠરાવ કરી વિરોધની શરૂઆત કરી દીધી છે. ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા અધ્યક્ષ મોતીસિંહ વસાવા, સરપંચ પરિષદના નિરંજન વસાવા સહિત અન્ય સરપંચોના વિરોધને પગલે ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકાર એકલી અટુલી પડી ગઈ છે, સરકારની સાપે છછૂંદર ગળ્યા જેવી સ્થિતિ થઈ છે.