દિલ્હી-

ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ અને વિપક્ષના રાજ્યસભામાં ભારે વિરોધને પગલે ગૃહની કામગીરી સમગ્ર દિવસ સુધી સ્થગિત રાખવામાં આવી છે. કૃષિ કાયદાને લઈને ખેડૂતોના મુદ્દે ગૃહમાં કોંગ્રેસ સહિતના વિપક્ષ દળોએ ભારે શોરબદોર અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્રણ વખત ગૃહની કામગીરી સ્થગિત રખાયા બાદ સમગ્ર દિવસ માટે સ્થગિત રાખવામાં આવી છે. સૌપ્રથમ 10.30ના ગૃહને 40 મિનિટ સુધી સ્થગિત રખાયું હતું. ત્યારબાદ ગૃહની કામગીરી શરૂ થતા વિપક્ષે ભારે હંગામો મચાવતા ફરીથી 11.30ના ગૃહને સ્થગિત રખાયું હતું. કોંગ્રેસ સહિતના વિપક્ષના સાંસદો વિરોધ કરવા વેલમાં ધસી ગયા હોવાથી ડેપ્યુટી સ્પીકર હરિવંશને ગૃહને ફરીથી સ્થગિત રાખવાની ફરજ પડી હતી. ઉપાધ્યક્ષે કોરોના પ્રોટોકોલનું પાલન કરવા સાંસદોને તેમની જગ્યાએ જવા અપીલ પણ કરી હતી પરંતુ તેમણે કોઈ વાત ધ્યાનમાં લીધી નહતી.

રાજ્યસભામાં કોંગ્રેસ, ડાબેરીઓ, ટીએમસી, ડીએમકે અને આરજેડીના સાંસદોએ સૌપ્રથમ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષે ગૃહની કામગીરી એક દિવસ માટે સ્થગિત રાખવા જણાવ્યું હતું જાે કે આ માગણીને ઉપરાષ્ટ્રપતિ અને અધ્યક્ષ વેંકૈયા નાયડુએ ફગાવી દીધી હતી. જે સાંસદો બહાર નિકળી ગયા હતા તેઓ ફરીથી ગૃહમાં આવ્યા હતા અને તેમણે વેલમાં ઘસી જઈ સૂત્રોચ્ચાર કર્યો હતો. નાયડૂએ આ વ્યાજબી નહીં હોવાનું જણાવ્યું હતું. બીજી વખત ગૃહની કામગીરી સ્થગિત રખાયા બાદ ડેપ્યુટી ચેરમેન અધ્યક્ષની ખુરશીમાં બેઠા હતા ત્યારે પણ વિપક્ષે તેમની એકવાત માની નહતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

કોંગ્રેસ સહિતના વિપક્ષે નિયમ 267 અંતર્ગત દિવસની કામગીરી બાજુ પર રાખી ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવ માગ કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ તેની મંજૂરી ના આપતા રાષ્ટ્રપતિના અભીભાષણના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મુદ્દાને રજૂ કરવા જણાવ્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે ખેડૂતો બે મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ મુદ્દે ચર્ચા થવી જાેઈએ. ટીએમસી સાંસદ શુખેન્દુ શેખર રોયે પણ આ મામલે જણાવ્યું કે સરકાર તેમજ ખેડૂત વચ્ચે શું ચાલી રહ્યું છે તેનાથી ગૃહ વાકેફ નથી. અમે આ ચોક્કસ મુદ્દે અલગથી વાત કરવા ઈચ્છીએ છીએ. ઉપરાષ્ટ્રપતિએ રાજ્યસભામાં આ મુદ્દે આવતીકાલે ચર્ચા કરવા માટે જણાવ્યું હતું અને ગૃહ સ્થગનની નોટિસ ફગાવી હતી. જેને પગલે કોંગ્રેસ, ડાબેરીઓ, ટીએમસી અને ડીએમકેના સાંસદોએ વોકઆઉટ કર્યું હતું.