વડોદરા -

ભારતીય જનતા પાર્ટી શાસિત ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે બનેલી સામુહિક બળાત્કારની ગોઝારી ઘટનાને પગલે સમગ્ર દેશમાં હાહાકાર મચી રહ્યો છે. ત્યારે ભાજપની જ યુવા પાંખ એ.બી.વી.પી દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

થોડા સમય અગાઉ ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે ૧૯ વર્ષીય દલિત યુવતી પર ૪ નરાધમો દ્વારા સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહિ, ત્યારબાદ યુવતીની જીભ પણ કાપી નાખવામાં આવી હતી અને માર મારીને કરોડરજ્જુ સહિતના હાડકાં પણ તોડી નાખવામાં આવ્યા હતા. ભાજપ શાસિત ઉત્તરપ્રદેશની સરકાર દ્વારા આરોપીઓને કડકથી કડક સજા આપવાની જગ્યાએ રાત્રીના અંધારામાં યુવતીના પરિવારજનોની મરજી વિરુદ્ધ તેણીનો મૃતદેહ પણ સળગાવી નાખવામાં આવ્યો હતો.

આ ઘટનામાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. એવામાં ભાજપની યુવા પાંખ એ.બી.વી.પી દ્વારા આજે શહેરના ફતેગંજ સર્કલ ખાતે આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.