વડોદરા, તા.૨૨

ગાંધીનગર ખાતે આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી સાથે નર્મદા અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને અન્ય મંત્રીઓ દ્વારા વડોદરામાં પોલીસ દ્વારા વાહનોને આપવામાં આવતા આરટીઓના મેમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી, વાહનવ્યવહાર મંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય આરટીઓનો દંડ વસૂલવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

કેબિનેટની બેઠકમાં મંત્રી યોગેશ પટેલ તેમજ અન્ય મંત્રીઓ દ્વારા વડોદરામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને આપવામાં આવતા મેમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા વાહનોને જે મેમો આપવામાં આવે છે જેનાથી ટુ વ્હીલરનો ત્રણથી ચાર હજાર અને ફોર વ્હીલરને આઠથી દસ હજાર જેટલો દંડ થાય છે અને વ્હીકલ ડિટેઈન કરવામાં આવે તો અઠવાડિયા સુધી વાહનો છૂટતા નથી. ઉપરાંત વાહન માલિકોને તેમના વાહનો છોડાવવા માટે આરટીઓમાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

વાહનો ડિટેઈન થતાં વાહનમાલિકોને કોરોના મહામારીમાં હોસ્પિટલમાં આવવા-જવા તેમજ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા તેમજ અન્ય કામો માટે પારાવાર મુશ્કેલી પડે છે, તેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુ અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને સ્પષ્ટ સૂચના આપી હતી કે હાલ પૂરતો પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બાબતનો જ દંડ ઉધરાવે અને માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પૂરતી નહીં લગાવવા અને દંડ નહીં વસૂલવા જણાવ્યંુ હતું.