વડોદરા : વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ નજીક સુમનદીપ વિદ્યાપીઠના સર્વે નં.૭૭/૨ પૈકીની જમીનમાં કે.એમ.શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનસુખ શાહ દ્વારા ૩૩૩૫૦ ચો.મી. ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જેનો વિવાદ પાછલાં કેટલાંક વરસોથી ચાલતો હતો. જેમાં જિલ્લા કલેકટરે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપી હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે. જિલ્લા કલેકટરના આદેશોને પગલે ખાનગી યુનિ. વગેરેમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. 

વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે વરસો પૂર્વે કે.એમ.શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મનસુખ શાહે સુમનદીપ વિદ્યાપીઠ શરૂ કરી હતી. પરંતુ કેટલાક વરસો પૂર્વે તેઓ મેડિકલમાં પ્રવેશ આપવા માટે લાખોનું ડોનેશનની લાંચ લેતાં ઝડપાઈ ગયા હતા. ત્યાર બાદ એસીબીની તપાસની સાથે જિલ્લા કલેકટરાલય દ્વારા પણ સુમનદીપ વિદ્યાપીઠની સમગ્ર જમીનને લઈને થયેલા કૌભાંડ અને ગેરકાયદે બાંધકામની તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન સુમનદીપ વિદ્યાપીઠની જમીનમાં ૩૩૩૫૦ ચો.મી. જગ્યા પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાનું તેમજ શરતોનો ભંગ કરીને નકશા વિરુદ્ધનું બાંધકામ કર્યાનું અહેવાલમાં જણાવ્યું હતું. આ અંગે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ બિનઅધિકૃત બાંધકામ દંડનીય કાર્યવાહી કરી નિયમબદ્ધ કરવા તેમજ શરતભંગ અને હેતુફેરની પરવાનગી આપવા સંપૂર્ણ અધિકાર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિને સુપરત કરાઈ હતી.

દરમિયાન રાજ્યના મહેસૂલ વિભાગના પત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જમીનમાં આપવામાં આવેલ હુકમની શરતોનો ભંગ થયો છે મોટા પ્રમાણમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો લોકોમાં ખોટો સંદેશ જાય અને લોકો ગેરકાયદેસર બાંધકામ કરતા અચકાય નહીં જેથી આવા કિસ્સામાં સખ્ત પગલાં લેવા જણાવ્યું છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટરે હુકમ જારી કરી જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૭ની જાેગવાઈ મુજબ બિનઅધિકૃત બાંધકામ નિયમબદ્ધ કરવાપાત્ર થતું નથી, જેથી ગુજરાત પંચાયત અધિનિયમની જાેગવાઈ મુજબ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી બિનઅધિકૃત બાંધકામ દૂર કરવા હુકમ કર્યો છે. આમ નિયમ વિરુદ્ધ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાના હુકમથી ખાનગી યુનિ. કે અન્ય મોટા માથાઓએ ગેરકાયદેસર બાંધકામો કર્યા છે તેમનામાં ફફડાટ ફેલાયો છે.

આંતરિક રસ્તા, માર્જિનની જગ્યામાં શરતોનો ભંગ કરી બાંધકામ કર્યું

વડોદરા. સુમનદીપ વિદ્યાપીઠમાં ૩૩૩૫૦ ચો.મી. જમીનમાં આવેલ મુખ્ય રસ્તા, આંતરિક રસ્તા અને માર્જિનની જગ્યા પર નકશા વિરુદ્ધ શૈક્ષણિક, ધાર્મિક અને વાણિજ્ય હેતુસરના મકાનો નકશા વિરુદ્ધ શરતોનો ભંગ કરીને ગેરકાયદેસર બાંધકામ કર્યાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. છેલ્લા પાંચ છ વર્ષથી ચાલતા વિવાદમાં આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે.