અમદાવાદ-

અમદાવાદના પીરાણા વિસ્તારમાં તાજેતરમાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 12 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે આ આગના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. જેને લઇને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ભૂતિયા ગોડાઉન ઉપર તપાસ કરવાના આદેશ તમામ શહેર કોર્પોરેશન કમિશ્નરને આપવામાં આવ્યા છે. જેનો અહેવાલ આગામી 13 નવેમ્બરના રોજ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.

શ્રમ રોજગાર સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવેલાં આવા ગોડાઉન, વેર હાઉસ કે જે પરવાનગી વગરના હોઈ અને એમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હોય એની સંપૂર્ણ તપાસ ખાસ ઝુંબેશ થકી અમદાવાદ કોર્પોરેશન દ્વારા સત્વરે કરાશે. રાજ્યના અન્ય કોર્પોરેશન વિસ્તારોમાં પણ આવી ઝુંબેશ કરીને ચકાસણી કરવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહીં. તેમણે કહ્યું કે, પીરાણાની ઘટનામાં ભોગ બનનારા મૃતકોને રાજ્ય સરકાર દ્વારા જે સહાય જાહેર કરાઈ છે તે તેમના પરિવારજનોને સત્વરે પહોંચાડવામાં આવશે. અમદાવાદના પીરાણા ખાતે તારિખ 4 નવેમ્બરના રોજ થયેલી આગની દુભર્ગ્યિપૂર્ણ ઘટના સંદર્ભે ગેરકાયદે ધમધમતા જોખમી રસાયણોના સંગ્રહસ્થાનો અને વેરહાઉસો ઉપર કાર્યવાહી કરવા શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમીશ્નરને એક પત્ર પાઠવીને દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે.