ગોધરા,તા.૩૦ 

લુણાવાડા શહેરના સર્વાગી વિકાસ અને પ્રજાજનોના સાર્વત્રિક હીત અને સુખાકારીઓ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ કરોડો રૂપિયાની ગ્રાંન્ટ જાણે કે પોતાના અંગત વિકાસ માટે આવતી હોવાના એકહથ્થું ભ્રષ્ટ્રચારી વહિવટમાં માહેર બહુચર્ચિત એવા લુણાવાડા પાલીકાના પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીને સહભાગીદારીની નંદન આર્કેડના વ્યાપારી ફાયદા માટે સરકારની ગ્રાંન્ટમાંથી આર.સી.સી.રોડ બનાવી દેવાના અભરખાઓ સામે ગુજરાત સરકારના મ્યુનિસિપાલીટી વહીવટી કમિશ્નરે પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીને પ્રમુખ પદે અને સભ્યપદેથી દુર કરવાનો હુકમ કરતા લુણાવાડા શહેર તેમજ પાલીકાના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે! જયારે લુણાવાડા પાલીકા પ્રમુખ અને સભ્યપદ ગુમાવવાના રાજય સરકારના હુકમથી જયેન્દ્રસીંહ સોલંકીની છાવણીમાં જબરદસ્ત સોંપો પડી જવા પામ્યો છે. સાથો સાથ પ્રમુખ સાહેબના આ એકહથ્થુ ભ્રષ્ટ્રચારી વહીવટના વિકાસ કાર્યોમાં સાથ સહકાર આપનારા કેટલાંક કર્મચારીઓમાં પણ ગુજરાત સરકારના મ્યુનિસિપાલીટી વહીવટી કમિશ્નરના ભ્રષ્ટ્રચાર સામેના આકરા તેવર જેવા આદેશથી ભારે ભયની ચર્ચાઓ શરૂ થવા પામી હોવાનો માહૌલ લુણાવાડા પાલીકા કચેરીના સંકુલમાં દેખાવાનો શરૂ થયો છે. 

ચીફ ઓફિસર પ્રણવ ચૌધરી પણ કાયદાના સકંજામાં આવશે તેવી ચર્ચા શરૂ

ગુજરાત સરકારના મ્યુનિસિપાલીટી કમિશ્નરે અંગત વ્યાપારના ફાયદાઓ માટે સરકારી ગ્રાંટના નાણાંમાંથી સુવિધાઓના ડામો કરવા બદલ કોંગ્રેસ શાસિત લુણાવાડા ન.પાલીકાના પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીને હોદ્દાના દુરઉપયોગ બદલ પ્રમુખપદે અને સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાનો આકરો આદેશ ફરમાવ્યો છે, ત્યારે પ્રમુખ જયેન્દ્રસીંહ સોલંકીના આ ભ્રષ્ટ્રચારના કાર્યોમાં સાથ - સહકાર આપીને લાખ્ખો રૂપિયાના ધડાધડ ચેકો આપનાર લુણાવાડા પાલીકાના ચીફ ઓફીસર પ્રણવ ચૌધરી સામે પણ સરકારી ગ્રાંટના દુર ઉપયોગ કરવા બદલ ગાંધીનગર ખાતેથી હવે શિક્ષાત્મક પગલા ભરવામાં આવે આ શકયતાઓની ચર્ચાઓ સમાંતરે શરૂ થવા પામી છે.