મહેસાણા-

મહેસાણા દૂધસાગર ડેરીમાં રાજસ્થાનથી આવેલા ઘીમાં ભેળસેળ મામલે છેલ્લા બે દિવસથી ચાર જિલ્લાની ટીમોએ ડેરીમાંથી ફરીથી ઘીનાં સેમ્પલ લેવા સહિતની તપાસ ચાલી રહી છે ત્યારે ડેરીના એમડીને ફરજ મોકૂફ કરવા નિયામક મંડળને રાજ્ય રજિસ્ટ્રારે આદેશ કર્યો છે, બીજી તરફ કોરોના મહામારીના પગલે મહેસાણા દૂધ સંઘના નિયામક મંડળની ચૂંટણી માટેની પ્રક્રિયા હાલમાં સ્થગિત કરવાનો આદેશ કલેક્ટરે કર્યો છે. આમ સમગ્ર મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે સંઘના વાઈસ ચેરમેને રાજકીય કાવાદાવા વચ્ચે ક્વોલિટીના લીધે જ દૂધસાગર ડેરી ટકી રહી છે ત્યારે હવે ક્વોલિટી પર તરાપ મારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મહેસાણા દૂધસાગર ડેરીમાં રાજસ્થાનથી ઘી લઈને આવતા ટેન્કરમાં ભેળસેળના પ્રયાસ ઝડપાતાં સમગ્ર મામલે ડેરીમાં ઘીનો જથ્થો સ્થગિત કરવા સહિત તપાસ હાથ ધરાઈ છે. આ મુદ્દે ફેડરેશને બેદરકારી મામલે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમની કલમ ૮૯ અન્વયે ડેરીના એમડીને ફરજ મોકૂફ કરવા નિયામક મંડળને રાજ્ય રજીસ્ટ્રાર-ગાંધીનગરે આદેશ કર્યો છે. બીજી તરફ ડેરીની ચૂંટણી માટે મતદાર યાદી મામલે મંડળીઓમાંથી ઠરાવ મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે સંદર્ભે ડેરીના ડિરેક્ટર અશોકભાઈ ચૌધરીએ કરેલી રજૂઆતોના પગલે કોરોના મહામારીને લઈને ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવાનો આદેશ મહેસાણા કલેક્ટરે કર્યો છે.