અમરેલી- 

અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાના ૧૧ પૈકી ૬ જળાશયો પાણીથી લથબથ બન્યાં છે. જિલ્લાનો સૌથી મોટા ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ખોડિયાર ડેમનો બે દરવાજા પોણો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી ૭ તાલુકાના ૪૬ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધારીનો ખોડિયાર ડેમ છલકાતા જિલ્લામાં હરખની હેલી જાેવા મળી રહી છે. ધારી નજીક શેત્રુજી નદી પર આવેલ ખોડિયાર ડેમ અમરેલી જિલ્લાનો આ સૌથી મોટો ડેમ છે. ચાલુ ચોમાસામાં દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડયો હોય રાજુલા, જાફરાબાદ પંથકના જળાશયો છલકાઇ ગયા છે.

છેલ્લા સપ્તાહ દરમિયાન સતત પડી રહેલા વરસાદને પગલે શેત્રુજી નદીમાં ભારે પૂર આવતા ખોડિયાર ડેમમાં વિપુલ જળરાશી ઠલવાઇ છે. હાલમાં આ ડેમ ૯૬ ટકા ભરાયો છે. અહીં ૨૮.૬૭ એમસીએફટી પાણી ભરેલું છે. બીજી તરફ હાલમાં અમરેલી જિલ્લાના ૬ ડેમ ઓવરફલો થઇ રહ્યાં છે. ધાતરવડી-૧ અને ૨ ઉપરાંત રાયડી, વડીયા, શેલદેદુમલ અને સુરજવડી ડેમ છલકાઇ રહ્યાં છે. અમરેલી નજીક આવેલા વડી ડેમમાં હાલમાં નામ માત્રનું પાણી છે. જયારે મુંજીયાસર ડેમ પણ ૭૬ ટકા જેટલો ભરાઇ ગયો છે.

જાે ચોમાસાની આ જ પ્રકારની ગતિ રહી તો ઓણસાલ જિલ્લાના મોટાભાગના ડેમ ઓવરફલો થઇ જશે. અમરેલી શહેરને જે ડેમમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. તે બંને ડેમમાં સૌથી ઓછું પાણી આવ્યું છે. ઠેબી ડેમ ૫૧ ટકા ભરાયો છે. જયારે વડી ડેમ તો માત્ર ૧૮ ટકા ભરાયો છે. જાે કે ચોમાસાને હજુ ઘણા દિવસો બાકી છે જેને પગલે આ ડેમમાં પણ પુરતી માત્રામાં પાણી આવવાની આશા છે. રાજુલા પંથકમા ધાતરવડી-૨ ડેમ પરથી હાલ ૨૩૭૪ ક્્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જયારે ધાતરવડી-૧ પરથી ૧૬૨૬ કયુસેક, રાયડીમાંથી ૭૭૬ ક્્યુસેક અને વડીયામાંથી ૩૧૮ કયુસેક જાવક થઇ રહી છે.