ગાંધીનગર દેશના ગૌરવ સમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કમાં દેશના અન્ય રાજ્યો અને વિદેશમાંથી રૂ. ૫.૩૯ કરોડથી વધુના ખર્ચે ૧૭૦ પ્રાણીઓને લાવવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં આ ૧૭૦ પ્રાણીઓમાંથી ૪૬ પ્રાણીના મોત નીપજ્યા હોવાનો રાજ્યના વન મંત્રીએ વિધાનસભામાં લેખિતમાં એકરાર કર્યો હતો.વિધાનસભામાં આજે પ્રશ્નોતરી સમય દરમિયાન કોંગ્રેસના ગરબાડાના મહિલા ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ સવાલ ઉઠાવ્યો હતો કે, ગત તા. ૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બનાવાયેલા જંગલ સફારી પાર્કમાં વિદેશમાંથી તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી કેટલા અને ક્યા પ્રાણીઓ લાવવામાં આવેલા છે? ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિદેશ અને દેશના અન્ય રાજ્યમાંથી પ્રાણીઓ લાવવા પાછળ કેટલો ખર્ચ થયો છે? ઉક્ત સ્થિતિએ આ પ્રાણીઓમાંથી ક્યા અને કેટલા પ્રાણીઓના મૃત્યુ નીપજ્યા છે? ગરબાડાના મહિલા ધારાસભ્ય ચંદ્રિકા બારિયાના આ સવાલના પ્રત્યુત્તરમાં રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના જંગલ સફારી પાર્કમાં વિદેશથી એક જિરાફ, ત્રણ ઝેબ્રા, ત્રણ વાઈલ્ડ બીસ્ટ, બે ઓરેક્ષ, પાંચ અલ્પાકા, ચાર લામા, ચાર વોલાબી મળીને કુલ ૨૨ પ્રાણીઓને લવાયા છે. જયારે અન્ય રાજ્યમાંથી બે લાલચટક મકાઉ, પાંચ ઓરેન્જ વિંગ્ડ એમેઝોન, બે ગોલ્ડ મકાઉ, બે ગ્રીન વિંગ્ડ મકાઉ, પાંચ ગોલ્ડ ફિસેન્ટ, પાંચ સિલ્વર ફિસેન્ટ , પાંચ લેડી એમહર્સ્‌ટ ફિસેન્ટ, ૧૦ બ્લ્યુ ફિસેન્ટ, ૭૮ કોનુર્સ, ત્રણ શાહમૃગ, બે ખિસકોલી મંકી, બે માર્મોસેટ, બે ગ્રીન ઇગુઆન, બે રિંગટેલ લેમર, બે રેડ ઇગુઆના, બે કપુચિન મંકી, આઠ ઈમુ, પાંચ બ્લેક શ્વાન, છ કેરોલીના ડક મળીને કુલ ૧૪૮ પ્રાણીઓ લવાયા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી લાવેલા આ પ્રાણીઓ પાછળ રૂ.૫.૩૯ કરોડ કરતા વધુની રકમનો ખર્ચ થયો છે.ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિદેશથી લાવેલા બે અલ્પાકા, બે લામા અને એક વોલાબી મળીને કુલ પાંચ પ્રાણીઓના મૃત્યુ થયા છે, જયારે અન્ય રાજ્યોમાંથી લાવેલા એક લાલચટક મકાઉ, એક ઓરેન્જ વિંગ્ડ એમેઝોન, એક બ્લ્યુ ગોલ્ડ મકાઉ, એક ગ્રીન વિંગ્ડ મકાઉ, ત્રણ ગોલ્ડન ફિસેન્ટ, એક લેડી એમહર્સ્‌ટ ફિસેન્ટ, બે બ્લ્યુ ફિસેન્ટ, ૨૯ કોનુર્સ, એક માર્મોસેટ, એક રિંગટેલ લેમર મળીને કુલ ૪૧ પ્રાણીઓના મૃત્યુ થયા છે.