પટના-

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવનારા ધારાસભ્યોમાંથી 81 ટકા કરોડપતિ છે. ચૂંટણી અધિકાર સમૂહ એસોસીએશન ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)ના એક રીપોર્ટ અનુસાર 241 નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સોગંદનામાનુ વિશ્લેષણ કરતા જાણવા મળે છે કે 194 ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે લગભગ બે તૃત્યાંશ ધારાસભ્ય ઉપર આપરાધિક કેસ નોંધાયેલા છે. એડીઆરના રીપોર્ટ અનુસાર ભાજપના 73માંથી 65 (89 ટકા), રાજદના 74માંથી 64 (87 ટકા), જેડીયુના 43માંથી 38 (88 ટકા) અને કોંગ્રેસના 19માંથી 14 (74 ટકા) ધારાસભ્યોએ 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

એડીઆરના રીપોર્ટ અનુસાર નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.32 કરોડ છે. 2015માં આ સંપત્તિ 3.15 કરોડ હતી જે 2020માં 67 ટકા વધીને 5.26 કરોડ થઈ ગઈ છે. 2015માં જીતેલા 243 ધારાસભ્યોમાંથી 162 એટલે કે 67 ટકા કરોડપતિ છે.

ચૂંટણીમાં વિજય પામેલા 241 ઉમેદવારોના સોગંદનામા તપાસતા જણાય છે કે 163 એટલે કે 68 ટકા ઉમેદવારોએ પોતાની વિરૂદ્ધ આપરાધિક કેસ હોવાનું જણાવ્યુ હતું. 123 એટલે કે 51 ટકા ધારાસભ્યોએ જણાવ્યુ હતુ કે તેઓનું વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ વિરૂદ્ધ અપરાધ સહિત સંગીન ગુન્હાઓ નોંધાયેલા છે. 2015માં વિજેતા 243માંથી 142 એટલે કે 58 ટકા વિરૂદ્ધ કેસ હતા.

રીપોર્ટ અનુસાર 9 ધારાસભ્યોએ જાહેર કર્યુ છે કે તેઓની વિરૂદ્ધ 302 એટલે કે હત્યાનો મામલો નોંધાયેલો છે. 31 ધારાસભ્યો સામે 307 એટલે કે હત્યાના પ્રયાસનો કેસ છે. 8 ધારાસભ્યોએ જણાવ્યુ છે કે તેઓની સામે મહિલા વિરૂદ્ધ અપરાધના કેસ નોંધાયેલા છે. 82 ધારાસભ્યો ૫ ધોરણથી 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરેલા છે. 149 ગ્રેજ્યુએટ છે.  નવા ધારાસભ્યો સાક્ષર છે તો 1 ધારાસભ્ય પાસે ડીપ્લોમાં છે. આ વખતે 26 એટલે કે 11 ટકા મહિલા ઉમેદવારો જીત્યા છે. 2015માં 28 મહિલા ધારાસભ્યો હતા.