માંડવી, તા.૭ 

માંડવી - કીમ રોડ બિસ્માર અવસ્થામાં આવી જતા વાહન ચાલકોમાં આક્રોશ વ્યક્ત થયો હતો. વારંવાર રોડની મારામત કરવા છતાં રોડ ટૂંક સમયમાં જ જર્જરિત અવસ્થામાં આવી જતા તંત્રની મૈન અવસ્થા તેની કામગીરી પર અનેક પ્રશ્નો સહિત તંત્ર વિરુદ્‌ધ આંગળી ચીંધી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી-કીમ રોડ બિસ્માર અવસ્થામાં આવવાની ઘટના કોઈ નવી નથી પરંતુ આવા બિસ્માર રોડ પર રોજિંદા મુસાફરી કરતા મુસાફરોની વ્યથાતો તે પોતે જ જાણે. પરંતુ જવાબદાર તંત્ર આ સમસ્યાને જોવા છતા આંખ આડા કાન કરી રહ્યું છે. તેમજ માંડવી - કીમ મુખ્યમાર્ગ પર માર્ગની બંને તરફ આવેલ ખેતરોમાં પાણી પહોંચાડવા માંડવી - કીમ મુખ્યમાર્ગને ખોદી કઢાયો હતો તો શું તંત્ર આ વાતથી અજાણ્યું હશે ખરું? કે પછી તંત્રની મિલીભગતથી જ આ કાર્ય કરવામાં આવ્યું હશે તે પ્રશ્ન પ્રજાજનોમાં વ્યાપી ઉઠ્‌યો છે.  

એક તરફ સરકાર દ્વારા વિકાસના કામો માટે બંને હાથોથી ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે તો માર્ગ નવનિર્માણ ના કાર્યોમાં રખાતી આવી કચાસ પ્રજાજનોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે. રસ્તાની આવી બિસ્માર અવસ્થાથી રોજ બરોજ નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે તો કેટલા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તો સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાંટનો સદુપયોગ કરી તંત્ર દ્વારા માર્ગના નવનિર્માણ નું કાર્ય વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઈ છે.