વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં જ સમાવિષ્ટ થયેલા ભાયલી વિસ્તારમાં મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકોને મકાનો ફાળવવામાં આવ્યા છે. ત્યારે ભાયલીની શાંતિ ડહોળવાનો પ્રયાસ બંધ કરવા જેવા પ્લેકાર્ડ સાથે ભાયલી વિસ્તારનો અશાંતધારામાં સમાવેશ કરવાની માગ સાથે ભાયલીના રહીશોએ દેખાવો યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. 

ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલની આગેવાની હેઠળ ભાયલી અવેરનેસ ગ્રૂપ અને ગામના રહીશોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં થોડાં સમય પહેલાં સમાવેશ કરાયેલ ભાયલી વિસ્તારનો આશરે પ૦ હજારની વસતી ધરાવે છે. કોઈપણ વિસ્તાર માટે કાયમી ધોરણે સુખ-શાંતિ, સલામતી જળવાઈ રહે તે માટે વિકાસ અને શાંતિ માટે પાયાની જરૂરિયાત ગણાય છે. જેની લોકોને સદૈવ અપેક્ષા હોય છે અને સરકારની પણ તેને લગતી જ નીતિ ઘડીને તેને પ્રાથમિકતા આપીને યુદ્ધના ધોરણે અમલ કરવાની પ્રણાલિ રહેલ છે જે અંતર્ગત ઘડવામાં આવેલ અશાંતધારા વિસ્તારમાં સમાવેશ જે તે વિસ્તારની કરવાની નીતિ રહેલ છે જેથી કરીને આ વિસ્તારમાં કોમી એખલાસ, સુલેહશાંતિ કાયમી ધોરણે જળવાઈ રહે.

હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તાર ભાયલીમાં કાયમી ધોરણે કોમી એખલાસ, સુલેહ, શાંતિ જળવાઈ રહે તે માટે અને કોમી રમખાણો, જાનહાનિ, દંગલ ન થાય તે માટે હાલથી જ અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવાની તાતી જરૂરિયાત છે. પાડોશમાં જ સરહદે અડીને વિધર્મીઓની વસતી ધરાવતો તાંદલજા વિસ્તાર આવેલ હોઈ ભાયલી વિસ્તારના હિન્દુ સમુદાયના રહીશોની ભાયલીનો અશાંતધારા વિસ્તારમાં સમાવેશ કરવા માગણી કરી છે.

ધારાસભ્ય શૈલેષ (સોટ્ટા) દ્વારા રજૂઆત

વડોદરા. વુડા દ્વારા પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ-રના ભાયલી ખાતેના આવાસોનો ડ્રો કરવામાં આવ્યો છે. તેમાં લઘુમતી કોમની વ્યક્તિઓને પણ આ સ્કીમમાં મકાનો ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તાર હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર છે પરંતુ આ યોજનામાં લઘુમતી કોમની વ્યક્તિઓને મકાનો ફાળવવામાં આવતાં રહીશોમાં રોષ વ્યાપ્યો છે. આ વિસ્તારમાં સુલેહ, શાંતિ જળવાઈ રહે તે માટે આ સ્કીમોમાં લઘુમતીઓને જે મકાનો ફાળવ્યા છે તે રદ કરી અન્ય સ્કીમમાં મકાનો ફાળવવા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ મ્યુનિ. કમિશનર અને વુડાના સીઈઓને પત્ર લખી રજૂઆત કરી છે.