વડોદરા : વેક્સિન અપાવવાની શરૂ થયેલી ઝુંબેશનો ફિયાસ્કો થઈ રહ્યો છે. ઠેર ઠેર વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નહીં હોવાથી સેન્ટરો બંધ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે સરકારના આદેશ મુજબ ૩૦ જૂન સુધીમાં નાના મોટા વેપારીઓ વેક્સિન નહીં લે તો એમની દુકાનો, પથારા, લારીઓ, ગલ્લાઓ બંધ કરાવી દેવાશે એવી ચીમકી સિટી પોલીસ મથકના પીઆઈ વી.આર.વાણિયાએ ઉચ્ચારી હતી. જેને લઈને વેપારીઆલમમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વેક્સિનનો પૂરતો જથ્થો નહીં હોવાથી દુકાનદારોની હાલત કફોડી બની છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં ૧૦૦ ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ જાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ જૂનથી વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરા પાલિકા દ્વારા પણ ૨૬૦ કેન્દ્ર શરૂ કરીને વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરાના તમામ લોકો વેક્સિન લઇ લે એ માટે શહેર પોલીસતંત્ર પણ જાેડાયું છે, પણ આ જાગૃતિ અભિયાનમાં પોલીસ વેપારીઓને ૩૦ જૂન સુધીમાં વેક્સિન લઇ લેવાની ચેતવણી આપી રહી છે.

આજે શહેરના સિટી પોલીસ મથક દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરી વેક્સિન લેવા માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા હતા, જેમાં ખાસ કરીને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા મંગળબજાર અને નવાબજાર સહિતના વિસ્તારોમાં ધંધો-રોજગાર કરતા પથારાવાળા, લારીઓવાળા તેમજ નાની-મોટી દુકાનો ધરાવતા વેપારીઓને વેક્સિન ન લીધી હોય તો લઇ લેવા માટેની ફરજ પાડવામાં આવી હતી. સિટી પોલીસ મથકના પીઆઈ વી.આર.વાણિયાએ જણાવ્યું હતું કે સરકારનો આદેશ છે કે ૩૦ જૂન સુધી તમામ લોકોએ વેક્સિન લઈ લેવાની રહેશે. ત્યારે સિટી પોલીસ સ્ટેશન દ્વારા તમામ નાના-મોટા વેપારીઓ વેક્સિન લઈ લે એ માટે આજે સવારથી પોલીસ મથક વિસ્તારમાં જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું હતું. આજના જાગૃતિ અભિયાન પછી પણ નાના-મોટા વેપારીઓ તેમજ પથારાવાળા અને લારીઓવાળા ૩૦ જૂન સુધીમાં વેક્સિન નહીં લે તો તેમના વેપાર-રોજગાર બંધ કરાવી દેવામાં આવશે એવી ચીમકી પીઆઇએ ઉચ્ચારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વેક્સિનેશનનો લક્ષ્યાંક પૂરો કરવા માટે છેલ્લા કેટલાક સમયથી શહેર પોલીસતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા સ્લમ વિસ્તારોમાં જઈને લોકોને વેક્સિન લેવા માટે સમજાવી રહ્યા છે અને લોકોને એ માટે નજીકનાં કેન્દ્રો પર લઈ જઈને વેક્સિન અપાવી રહ્યા છે. ત્યારે વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત પોલીસતંત્ર દ્વારા વેક્સિનથી કોઈ વંચિત ન રહી જાય એ માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.