વડોદરા,તા.૨૬  

 પાલિકા દ્વારા દશામાના મૂર્તિના સ્થાપન પછીથી જાહેરનામું બહાર પાડીને દશામાની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મુકતા ભક્તોનો આક્રોશ ચરમ સીમાએ પહોંચ્યો છે.શાસકો અને તંત્ર સામે લાલચોળ બનેલા દશામાના ભક્તોએ પાલિકાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે.તેમજ આ બાબતનો વિરોધ કરવાને માટે પાલિકાના કમિશ્નરના બંગલા બહાર ભક્તોએ ઉગ્ર દેખાવો યોજીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ પાલિકાએ આ નિર્ણય દશામાના તહેવારના દશ દિવસ પહેલા લેવા જેવો હતો.એવી લાગણી વ્યક્ત કરી હતી.

હાલ ગુજરાતમાં વડોદરામાં દશામાંનુ આગમન થઇ ગયું છે અને આજે છઠ્ઠો દિવસ છે ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે વડોદરા શહેરની અંદર કોઈપણ નદી નાળા કે તળાવમાં મા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવું નહીં અને જો વિસર્જન કરવામાં આવશે તો પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. ત્યારે પાલિકાના કમિશનર નલિન ઉપાધ્યાય, મેયર ડો.જિગીષાબેન શેઠ, અને સ્થાયીના અધ્યક્ષ સતીશ પટેલને એનો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો નદી,નાળા,તળાવમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવાનું નથી તો આ મૂર્તિઓનું વિસર્જન પાલિકા ક્યાં અને કેવી રીતે કરાવશે? એવો પ્રશ્ન કર્યો હતો. જો આ જાહેરનામું દશામાના વ્રત પહેલા કરવામાં આવ્યું હોત તો ભક્તો માટીની મૂર્તિઓ લાવ્યા હોત.પરંતુ અચાનક જાહેરનામું બહાર પાડીને ભક્તોની ચીંતામા વધારો કર્યો છે કોરોના સંક્રમણ વધવાની વિસર્જન વખતે વાત થઇ રહી છે ત્યારે જણાવવાનું કે હાલમાં જ રાજકારણીઓની રેલીઓ થઇ ત્યાં પણ ભીડ ભેગી થઈ હતી અને રાજકીય નેતા આવતા ભીડ ભેગી થઈ હતી. વડોદરામાં કેટલાય ચાર રસ્તા પર ખૂબ જ મોટી ભીડ જોવા મળે છે. ત્યાં પાલિકાના,અધિકારીઓ, રાજકારણીઓએ જોવાનું કે અહીં સંક્રમણ વધી શકે છે, ત્યાં ફરજ બજાવવી જોઈએ. આ સંજોગોમાં સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ એવી માંગ કરી છે કે વડોદરામાં દશામાની મૂર્તિના વિસર્જનના સમયે સરકાર કે પાલિકા તરફથી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં મદદરૂપ થાય.

બે કૃત્રિમ તળાવોમાં પાણી ભરવાની સંભાવના

દશામાની મૂર્તિઓના વિસર્જનને લઈને થયેલા વિવાદ પછીથી રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલ અને હરણીના કૃત્રિમ તળાવમાં પાલિકા દ્વારા પાણી ભરીને મૂર્તિના વિસર્જનની સવલત ઉભી કરવામાં આવશે એમ આંતરિક સૂત્રો જણાવી રહ્યા છે.જો કે આ મામલે વ્યવસ્થા ગોઠવવાને માટે સોમવારના રોજ સવારે ૧૧ કલાકે પાલિકાના કમિશ્નરને આવેદનપત્ર આપીને રજૂઆત કરાશે.એમ અતુલ ગામેચીએ જણાવ્યું હતું.