વડોદરા

કોરોનાના કહેર દરમિયાન કોન્ટ્રાક્ટ પર હંગામી ધોરણે ભરતી કરવામાં આવેલા કોન્ટ્રાક્ટ પરના ૧૨૫ જેટલા કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓને સયાજી હોસ્પિટલના કોન્ટ્રાક્ટરે આજે સવારે એકાએક છૂટા કરી દેવામાં આવતાં કર્મચારીઓએ કોવિડ સેન્ટરની બહાર ભારે રોષની લાગણી સાથે વિરોધ નોંધાવી નોકરી પર પરત લેવાની માગણી કરી હતી. આ કર્મચારીઓને બે મહિનાનો પગાર પણ નહીં ચૂકવાયો હોવાનું જણાવ્યું હતું તેવા જ સમયે પડયા ઉપર પાટું મારવા જેવો ઘાટ ઘડાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાનો કહેર ચરમસીમાએ પહોંચ્યો છે અને સંખ્યાબંધ દર્દીઓ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ રહ્યા છે. તે સમય અને સંજાેગોને પહોંચી વળવા માટે તદ્દન હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ પર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની ખાસ કોવિડ વોર્ડ સેન્ટરમાં ભરતી કરવામાં આવી હતી. છેલ્લા છ-આઠ મહિનાથી હંગામી ધોરણે કોન્ટ્રાક્ટ પર ૧૨૫ જેટલા કર્મચારીઓ ત્રણ શિફટમાં ફરજ બજાવતા હતા. આ ભરતીમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલ કોરોના વાઈરસ મંદ પડયો છે અને હોસ્પિટલમાં દર્દીઓની દાખલ થવાની સંખ્યાઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓનો સ્ટાફ કોવિડ સેન્ટરમાં વધુ હોવાનું જણાઈ આવતાં હોસ્પિટલના કોન્ટ્રાક્ટરે હંગામી કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં આજે સવારે રાબેતા મુજબ નોકરી પર આવેલા ૧૨૫ જેટલા કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા, અલબત્ત નોકરી ઉપરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેથી તેઓ ચોંકી ઊઠયા હતા. અંદાજે ૧૨૫ જેટલા કર્મચારીઓ આજે સવારે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટર બહાર એકત્ર થયા હતા અને હંગામો મચાવી વિરોધ નોંધાવ્યો હતો.