સુરત-

કોરોનાના અજગરી ભરડા માટે રત્નકલાકારોને જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે, હાલમાં જ સરકારે કરેલી એફિડેવિટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જાે કે રત્નકલાકારો પર આક્ષેપ થતાં વિરોધનો સુર ઉભો થયો છે. વરાછા, કાપોદ્રા અને કતારગામ સહિતના વિસ્તારોમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે, જેમાં સરકાર માફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે.

સુરતમાં ૨૦મી ઓગસ્ટનાં રોજ સુરત શહેરમાં ૧૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યાં જ ૭ દર્દીઓના મોત થયા છે. હાલ ૩૦૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. સુરત શહેરમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા ૧૪૫૯૯ છે, તો જિલ્લામાં ૩૮૫૮ પોઝીટીવ કેસોની સંખ્યા થઈ છે. આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ૧૮,૪૫૭ થયો છે. ત્યારે સુરતમાં ફેલાયેલા કોરોના માટે હીરા ઉદ્યોગમાં કામ કરતાં રત્નકલાકારો જવાબદાર હોવાનું સોગંદનામું સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવ્યું છે.

માસ્ક નહીં પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવવું, સેનેટાઇઝરનો ઉપયોગ નહીં કરવો વગેરેને કારણે સુરતમાં સંક્રમણ વધ્યું હતું, તેમાં પણ ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ્યાં રહે છે, ત્યાં સંક્રમણનું પ્રમાણ વધારે જાેવા મળ્યું છે, વરાછા એ ઝોનમાં ૧૮૪૧, વરાછા ઝોન બીમાં ૧૩૫૨, કતારગામ ઝોનમાં ૨૮૯૦ અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ કેસો નોંધાયા છે, આમ રત્નકલાકારો જે વિસ્તારમાં વધુ રહે છે, ત્યાં કેસો વધતાં હાઈકોર્ટમાં થયેલી રીટમાં સરકારે મુકેલા જવાબમાં તે માટેના જવાબદાર રત્નકલાકારોને ગણાવ્યા છે.