વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચુટણીના ગણતરીના કલાકો અગાઉ ગત રાત્રે કારેલીબાગમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના રાજ્યના પ્રભારી સહિતના કોંગી અગ્રણીઓના નામ સાથેના વિવાદાસ્પદ હોર્ડીંગ્સ લગાડવામાં આવતા કોંગી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હોર્ડીંગ્સ લગાવવા માટે આવેલા ટેમ્પો અને બે બાળમજુરોને ઝડપી પાડ્યા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધવા માટે હરણી પોલીસને જાણ કરાઈ હતી છતાં મોડી સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી હોઈ પ્રમુખ પક્ષો દ્વારા ગમે તે ભોગે ચુટણીઓ જીતવા માટે કાવાદાવા શરૂ કરી એકબીજાના વ્યકિતગત વિરોધ અને બદનામ કરવાની છેલ્લી પાયરીએ પહોંચી ગયા છે.

ચૂંટણી પ્રચારનો આજે આખરી દિવસ હોઈ ગત મોડી રાત સુધી દરેક પક્ષોના ઉમેદવારો અને કાર્યકરો આજે યોજાનારી મહારેલીની તૈયારીમાં પડ્યા હતા. આ દરમિયાન મધ્ય રાત્રીના એક વાગ્યાના સુમારે વડોદરાના કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ પાસે એક છોટાહાથી ટેમ્પામાં હોર્ડિંગ્સ લઈને નીકળેલા બે બાળ મજૂર અને અન્ય બે વ્યક્તિઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમજ રાજયના પ્રભારી સહિત ત્રણ કોંગી આગેવાનો સંબોધીને વાંધાજનક હોર્ડીંગ્સ લગાવતા હોવાની જાણ થતાં જ કોંગી કાર્યકરો ઉક્ત સ્થળે દોડી ગયા હતા અને તેઓએ હોર્ડિંગ્સ ભરેલો ટેમ્પો તેમજ બે બાળમજુરોને ઝડપી પાડ્યા હતા.

વિવાદિત હોર્ડિંગ્સ લગાવતા ઝડપાયેલા બાળમજુરો અને તેઓની સાથે ઝડપાયેલા અક્ષય નામના યુવકની કાર્યકરોએ પુછપરછ કરી હતી જે દરમિયાન ટેમ્પોનો માલિક અભિષેક શુક્લ પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

રાત્રિબજારની દિવાલ પર ભાજપાના વોર્ડ-૩ના ઉમેદવારોના હોર્ડીંગ્સની બાજુમાં જ આ વિવાદાસ્પદ હોર્ડીંગ્સ લગાવેલું જાેતા કોંગી કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો. આ બનાવની કોંગ્રેસના શહેર મંત્રી દિપક દેસાઈએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી જયારે મહામંત્રી કલ્પેશ પટેલે ચૂંટણી અધિકારીને આ બનાવમાં તાત્કાલીક ધોરણે પગલા લેવા માટે લેખિત ફરિયાદ કરી હતી.

રાજકીય દબાણના કારણે પોલીસે કરફ્યૂભંગનો ગુનો પણ નોંધ્યો નથી

રાત્રિબજાર પાસે રાત્રે એક વાગે કોંગી અગ્રણીનો સંબોધીને તૈયાર કરેવા વિવાદાસ્પદ હોર્ડિંગ્સ તેમજ છોટાહાથી ટેમ્પો અને બે બાળમજુરોને કોંગી કાર્યકરોએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. શહેરની શાંત પરિસ્થિતિને ડહોળવા માટેનો પ્રયાસ તે પણ કરફ્યુના સમયગાળામાં થયો હોવા છતાં હરણી પોલીસે રાજકિય દબાણ હોય તેમ આ બનાવમાં વાંધાજનક હોર્ડિંગ્સ લગાડવાનો કે બાળમજુરો રાખવાનો ગુનો તો ઠીક પરંતુ કરફ્યુ ભંગનો પણ ગુનો નહી નોંધતા પોલીસ કામગીરીએ વિવાદ ઉભો કર્યો છે.