વડોદરા : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાકી પાસેના શાકમાર્કેટને પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને સતત બીજા દિવસે દૂર કરવામાં આવ્યું છે. શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહ સમક્ષ આ શાકમાર્કેટને લઈને પ્રજાને પડતી પરેશાની બાબતે મોટા પ્રમાણમાં ફરિયાદો થવા પામી હતી. જેને લઈને એક્શનમાં આવેલ પાલિકા તંત્ર દ્વારા રાતોરાત આ તુલસીવાડીના માર્ગ પરના શાકમાર્કેટને હટાવવાની કામગીરી શનિવારથી શરુ કરવામાં આવી હતી. જે આજે સતત બીજા દિવસે જારી રહેવા પામી છે. આ શાક માર્કેટને ગઈકાલે કારેલીબાગ પાણીની ટાકીથી હાથીખાના તરફ જતા માર્ગ પર ખસેડવામાં આવ્યું હતું. જ્યા અનેક સોસાયટીના બંગલાઓ અને એપાર્ટમેન્ટ આવેલ છે. એને લઈને તુલસીવાડીના માર્ગ પરથી શાકમાર્કેટ હટાવતા આ વિસ્તારના રહીશોએ ગઈકાલે ઉહાપોહ મચાવીને એને ખસેડવા સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ આજે બાપચઓરે ત્રણ વાગ્યાથી પાલિકાના અધિકારી સુરેશ તુવેર અને પાલિકાની દબાણ શાખાની ટુકડીઓ કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફને સાથે રાખીને શાકમાર્કેટના સ્થળે ગોઠવાઈ ગઈ હતી. જ્યાં તેઓએ શાકભાજીના લારી ગલ્લાઓવાળા અને પાથરણાવાળાઓને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જે દરમ્યાન સીધો સંઘર્ષ પણ થવા પામ્યો હતો. જાે કે પોલીસ સાથે હોઈ કોઈએ વધુ માથાકૂટ કરી નહોતી. પરંતુ ગઈકાલે અન્ય પાણીની ટાકીના મુખ્ય માર્ગ પર શાકમાર્કેટ ખસેડાતા સર્જાયેલા ઉહાપોહને ધ્યાનમાં રાખીને આજે આ શાક માર્કેટને એનાથી થોડેક આગળ જે સ્થળે શુક્રવારી બજાર ભરાય છે. ત્યાં આ શાકમાર્કેટના વેપારીઓને વ્યવસાય કરવાને માટે જણાવાયું હતું. તેમજ એનું પાલિકાના અધિકારીઓએ ધ્યાન રાખ્યું હતું.

પોલીસ સાથે ઘર્ષણ કરતી બે મહિલા ડિટેઈન

આજે શાકમાર્કેટને મેઈનરોડ પર શરૂ કરવા માટે સુચના આપતા કોર્પોરેશનના અધિકારીઓ સાથે આ વિસ્તારની સામાજિક કાર્યકર મહિલાઓ ૫૫ વર્ષીય દિવ્યાનીબેન લક્ષ્મણ પરમાર (વૈકુંઠ-૧, વાઘોડિયારોડ) અને ૩૦ વર્ષીય ભારતીબેન વિષ્ણુ વાઘેલા (ગરબાચોક, તુલસીવાડી, કારેલીબાગ)એ કોર્પોરેશનના કર્મચારીઓને વિરોધ કરી પરિસ્થિતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જેથી કારેલીબાગ પોલીસે આ બંને મહિલાને જીપી એક્ટ ૬૮ મુજબ ડિટેઈન કરી હતી.

શાકમાર્કેટની ટૂંકમાં જ વૈકલ્પિક વ્યવસ્થા કરાશે ઃ સુરેશ તુવેર

પાલિકાના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે કારેલીબાગ પાણીની ટાકીની આસપાસના રહેણાકોવાળા ભદ્ર વિસ્તારમાં શાકભાજીના માર્કેટને લઈને રહીશો દ્વારા ભારે વિરોધ કરાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને આ શાકમાર્કેટને માટે કાયમી ધોરણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાને માટે તંત્ર વિચારી રહ્યું છે. જ્યા આ તમામને સમાવી શકાય એવી ખાલી જગ્યા પર હાલમાં ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. જે અંગે ટૂંકમાં ર્નિણય લેવાઈ જશે.