વડગામ : વડગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતના સત્તાધીશોના વહીવટથી ગ્રામજનો તોબા પોકારી ઉઠ્‌યા છે.દિવાળી જેવા તહેવારોના સમયમાં પણ ગામમાં સફાઇ ન કરાતા ગ્રામજનોમાં ભારે રોષ પ્રગટ થઇ રહ્યો છે. વડગામ તાલુકાના ગામડાઓમાં ઠેર ઠેર સફાઇનો અભાવ જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયા ખર્ચ કરીને સ્વચ્છતા અભિયાન ચલાવાય રહ્યું છે.ત્યારે સરકારી બાબુઓ અને પંચાયતના સત્તાધીશોની મિલીભગતથી સરકારના સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયું થઇ રહ્યું છે.પંચાયતોમાં વર્ષે દાહડે સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે.પરંતુ ગામડાઓમાં સરપંચો તલાટીઓ અને તાલુકામાં બેઠેલા કર્મચારીઓની મિલીભગતથી ટકાવારીઓની લ્હાયમાં સરકારી કામો માત્ર કાગળો ઉપર જ કરીને કોન્ટ્રાકટરો તકલાદી કામો સાથે સરકારી નાણાં મા ભારે ગોટાળા આચરીને બે પાંદડે બની રહ્યા છે‌. ગામડાઓની સ્થિતિ યથાવત્‌ રહી છે.વડગામ પંથકના ગામડાઓમાં સફાઇના અભાવ ઉપરથી જ જોવા મળી રહ્યું છેકે તાલુકાના ગામડાઓમાં વિકાસના કામોમાં કેવા થતાં હશે.પંચાયતો દ્વારા લોકો પાસેથી સફાઇ વેરો નિયમિત વસુલાઇ રહ્યો છે.પરંતુ ગામોમાં સફાઇ નિયમિત કરાતી ન હોવાના આક્ષેપ લોકોમાં થઈ રહ્યા છે.સરકારના વિજીલન્સ વિભાગ દ્વારા જો પંથકના ગામડાઓમાં ૧૦ વર્ષથી ફાળવવામાં આવેલી વિકાસલક્ષી ગ્રાન્ટોની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક સરકારી બાબુઓ,સરપંચો તથા તલાટીઓના પગ તળે રેલો આવે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.