વડોદરા, તા.૩૦ 

લાલબાગ રેલવે સ્ટાફ કોલેજ સ્થિત પ્રતાપવિલાસ પેલેસની સામે રાષ્ટ્રીય રેલ પરિવહન કાર્યાલય સહિતની બનનાર બહુમાળી ઇમારતને લઇ રાજવી પરિવાર અને અનેક નગરજનોએ નારાજગી વ્યક્ત કરી છે. બહુમાળી ઇમારતથી પેલેસની ભવ્યતા નષ્ટ થઇ જશે ત્યારે રાજા બાગની જગ્યાએ પેલેસની બાજુમાં આવેલ ગ્રાઉન્ડમાં બાંધકામ કરવામાં આવે તેવો મત રાજવી પરિવારે વ્યક્ત કર્યો છે. આ સંદર્ભે રાજવી પરિવાર અને મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટે જણાવ્યું છે કે, પ્રતાપ વિલાસ પેલેસ વડોદરાના રાજવી ગાયકવાડ તરફથી વડોદરાને મળેલું એક નજરાણું છે. જે પેલેસનો ભારતીય રેલ એકેડમીના કાર્યાલય તરીકે ઉપયોગ થાય છે. સમગ્ર ભારતમાં આ એક જ ભારતીય રેલ એકેડમી વડોદરા ખાતે આવેલી છે જે આ ઐતિહાસિક પુરાણી મિલકતમાં આવેલી છે. જેનું જતન કરવાની જવાબદારી આ શહેરના નગરજનોની પણ છે. હમણાં અમારા જાણમાં આવ્યું કે આ ઐતિહાસિક પ્રતાપ વિલાસ પેલેસની સામેના રાજા બાગમાં બનનારી બહુમાળી ઇમારત રાષ્ટ્રીય રેલ પરિવહન કાર્યાલયને તેમજ અન્ય કાર્યાલયોને આ જગ્યા ફાળવવાામં આવવાની છે. જેનું બાંધકામ શરૂ કરવા માટેનુ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જાણીને ગાયકવાડ પરિવાર જ નહિ પરંતુ વડોદરાના પ્રજાજનો પણ નારાજગી વ્યક્ત કરી છે. ૧૦૬ વર્ષ જુના પ્રતાપ વિલાસ પેલેસની સામે આ ભવ્ય ઇમારતને અનુરૂપ બનાવેલ બગીચો, લેન્ડસ્કેપ અને ખુલ્લી જમીન રાખવામાં આવેલી છે જે આ ઇમારતની ભવ્યતા માટે જરૂરી આવશ્યક અને અનિવાર્ય છે. જાે આ ઇમારતની સામેજ રાજા બાગમાં બહુમાળી ઇમારત બનશે તો આ પ્રતાપ વિલાસ પેલેસની ભવ્યતા નષ્ટ થઇ જશે. પ્રતાપ વિલાસ પેલેસની બાજુમાં આવેલ ગ્રાઉન્ડથી ઓળખાતી જગ્યામાં જાે બાંધકામ કરવામાં આવે તો આ પ્રતાપ વિલાસ પેલેસની ભવ્યતા જળવાય રહેશે અને જરૂરિયાત મુજબનું બહુમાળી બુલ્ડીંગથી બની શકે તેમ છે. આ શહેરે વિકાસ માટે ત્યાગવૃત્તિથી ઘણુ અલભ્ય પણ ગુમાવ્યું છે. જે પુનઃ આ શહેરને મળવાનું નથી. નઝરબાગ પેલેસ, માંડવી પણ આ એનું એક ઉદાહરણ ગણી શકાય. વડોદરા રાજવી પરિવાર તથા મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ વડોદરા આ શહેરના તમામ નગરજનોને મૂળ બરોડિયન તરીકે આગળ આવવા અપીલ કરે છે. આજની પ્રગતિ આપણા ભવ્ય ભૂતકાળની વિરાસતને ભૂતકાળ ના બનાવી દે અને આવનારી પેઢીઓ માટે કંઇક રાખી શકિએ નહી તો તેઓ આપણને માફ નહી કરે.