રાનકુવા : ચીખલીના દોણ્જા ગામમાંથી પસાર થતી કાવેરી નદી પરનો પુલ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી.દોણ્જા ખાતે થી પસાર થતી નદી પર આવેલા પુલ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.  

આ પુલ બનાવવા માટે વપરાયેલ લોખંડના સળીયા પણ બહાર નીકળી આવ્યા છે. આ પુલ ની સામે ની બાજુ દોણ્જા ના મોટાભાગના ખેડૂતોની જમીન આવેલી હોય તેમણે કોઈપણ માલસામાનની હેરફેર કરવા માટે ૫ થી ૧૦ કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવ્યો છે.આ નદીનો નો પુલ દોણ્જા ગામના હાથીનગર ફળિયા, તેમજ વાંદરવેલા, સાદડવેલ જેવા ગામોને જોડતો હોય ચોમાસા દરમિયાન આ ગામના લોકોએ ૫ થી ૧૦ કિલોમીટરનો ચકરાવો કરીને જવું પડતું હોય છે. આ પુલ પરથી ભારે વાહનો પસાર થઈ શકતા નથી. સ્થાનિકો પોતાની આ સમસ્યાને કેટલાય વર્ષોથી તંત્રને રજૂઆત કરી ચૂક્યા હોય તે છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી. પુલની બાજુમાં રેલિંગ નું કામ પણ કરવામાં આવ્યું નથી. ચોમાસા દરમિયાન આ પુલ નીચો હોવાથી પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.