અમદાવાદ-

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરમાં કોંગ્રેસનો ગઢ ગણાતા જમાલપુર ને મક્તમપુરા જેવા વિસ્તારોમાં આ વખતની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના ઉમેદવારોએ સપાટો બોલાવ્યો છે. બીજી બાજુ, શહેરમાં લઘુમતી મતદારોએ કોંગ્રેસને જાકારો આપીને એઆઈએમઆઈએમને ૭ સીટ અપાવી છે. અમદાવાદમાં ઓવૈસીએ માત્ર એક સભા કરીને કોર્પોરેશનમાં એન્ટ્રી થતાં જ કોંગ્રેસમાં ફાળ પડી છે. અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં એઆઈએમઆઈએમના જીતેલા ઉમેદવારોને મળવા માટે ખાનપુર ખાતેની એક લક્ઝુરિયસ હોટલમાં આવ્યા હતા.

તેઓ તમામ ઉમેદવારને મળ્યા હતા. જમાલપુર વોર્ડમાંથી એઆઈએમઆઈએમના બીના પરમાર, અફસાનાબાનુ, મુસ્તાક ખાદીવાલા અને મોહમ્મદ રફીક શેખે કોંગ્રેસના ઉમેદવારોને પરાસ્ત કરી કોર્પોરેશનમાં એન્ટ્રી કરી છે. જ્યારે મક્તમપુરા વોર્ડમાંથી એઆઈએમઆઈએમના સુહાના મન્સુરી, જેનલબીબી શેખ અને મહંમદ પઠાણનો વિજય થયો છે. ઓવૈસી ઇફેક્ટ અમદાવાદ શહેરમાં દેખાઈ હતી અને લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસનું ગણિત ફેરવી નાખ્યું છે. હવે આગામી ૨૦૨૨ની વિધાનસભામાં કોંગ્રેસના બાપુનગર અને ખાડિયા સહિત જમાલપુર વિસ્તારમાં ગાબડું પડે એવાં સમીકરણો રચાયાં છે. એની સાથે કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ચિંતામાં મુકાયા છે. ઓવૈસી હવે ૨૦૨૨માં પણ વિધાનસભામાં પોતાની પાર્ટીના ઉમેદવાર ઊભા રાખશે; એ માટે પ્રયાસ શરૂ કર્યા છે. બીજી તરફ, ગઈકાલે ખાનપુરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઆઈએમઆઈએમના તમામ જીતેલા ઉમેદવારોને મળીને આગળની રણનીતિ માટે પણ ધ્યાન દોર્યું હતું.