વડોદરા : માસ્ક વગર અને નંબર પ્લેટ વિનાની બાઈક ઉપર નીકળી મોબાઈલ ઉપર વાત કરનાર પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનરના આદેશથી તાત્કાલીક અસરથી તપાસ કરતાં આ કર્મચારી કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતો રમેશભાઈ હોવાનું બહાર આવ્યું હતું, જેને બુધવારની રાત્રિના સમયે જ ફરજમોકૂફ કરવામાં આવ્યો હતો. આ વીડિયો હિંમતપૂર્વક ઉતારનાર યુવકે પણ સંતોષ વ્યક્ત કર્યો છે. પણ આજે ફરીથી માસ્કના મુદ્‌ે નવાપુરા પોલીસ મથકે લોકટોળાં ઉમટયાં હતાં.  

પોલીસ કર્મચારીને એની ફરજનું ભાન કરાવાનર યુવકનું નામ ચિરાગ પટેલ છે અને એ વાઘોડિયા રોડ ઉપર રહે છે. ‘લોકસત્તા-જનસત્તા’ સાથે વાતચીત કરતાં ચિરાગ પટેલે પોલીસ કર્મચારી સસ્પેન્ડ થયો હોવાની વાતે સંતોષ વ્યક્ત કરી ઘટના અંગે જણાવ્યું હતું કે, મંગળવારની રાત્રિના સમયે બાપોદ પોલીસ મથકની પાછળ આવેલી પોલીસ વસાહતમાંથી બહાર નીકળેલા અને ડ્રેસ પહેરેલા પોલીસ કર્મચારીને માસ્ક વગર જાેતાં અમે બે મિત્રોએ બૂમાબૂમ કરી હતી પરંતુ બાઈક ભગાવીને એ ભાગી છૂટયો હતો. બાદમાં જાણે કાંઈ જ થયું ન હોય એમ પરત આવતાં હું અને મારો મિત્ર એની પાછળ બાઈક લઈને જઈ મોબાઈલથી શૂટિંગ કરવાનું શરૂ કરતાં પોલીસ કર્મચારી છંછેડાયો હતો. પરંતુ અમે પ્રતિકાર કરી વિરોધ કરતાં ઢીલા પડેલા પોલીસ કર્મચારીએ માસ્ક ઘરે ભૂલી ગયો હોવાનું જણાવી બાપોદ પોલીસ મથકે જઈ દંડ ભરી દેવાની ખાતરી આપી હતી. પરંતુ સવાર સુધી દંડ નહીં ભરતાં અંતે મારે વીડિયો વાયરલ કરી દેવાની ફરજ પડી હતી.

જાે કે, વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયોએ ધૂમ મચાવી હતી. પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારી એને સસ્પેન્ડ કરી દેશે એવી ખાતરી મને હતી નહીં. આજે સવારે મને કંટ્રોલમાં ફરજ બજાવતા હે.કો. રમેશભાઈ ગોવિંદભાઈને બરતરફ કરાયા હોવાની સત્તાવાર જાણકારી મળતાં હું પોલીસ કમિશનર સમશેર સિંગનો આભાર વ્યક્ત કરું છું એમ ચિરાગ પટેલે ‘લોકસત્તા-જનસત્તા’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

- તો હું વીડિયો વાયરલ ન કરત

માસ્ક વગર ઝડપાય તો પોલીસ કોઈને ૧૦ મિનિટનો પણ સમય નથી આપતી પરંતુ મેં તો માસ્ક વગરના પોલીસ કર્મચારીને સવાર સુધીનો સમય આપ્યો હતો. મારો વોટ્‌સએપ નંબર આપી દંડ ભરેલી પાવતીનો ફોટો પાડી મને મોકલી દેવા કહ્યું હતું એમ ચિરાગ પટેલે જણાવી ઉમેર્યું હતું કે, સવાર સુધીમાં મને દંડની પાવતીનો ફોટો મોકલ્યો હોત તો હું વીડિયો વાયરલ ના કરત અને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થવાથી બચી જાત!