દિલ્હી-

ભારતે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્‌સ કાઉન્સિલ-યુએનએચઆરસીમાં આતંકવાદને મુદ્દે ફરી એકવાર પાકિસ્તાનને ફટકો આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે કહ્યું હતું કે પાકિસ્તાન તેની ધરતી પર થઇ રહેલા માનવાધિકારોના ઉલ્લંઘનથી ધ્યાન ભટકાવવા માટે ભારતની છબીને ખરાબ કરવાના પ્રયત્ન કરી રહ્યું છે.

યુએનએચઆરસીમાં ભારતના યૂએન સ્થાયી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પવનકુમાર બાધે તેમના સંબોધનમાં પાકિસ્તાનની પોલ ખોલી નાંખી હતી. બાધેએ કહ્યું હતું કે પાકિસ્તાની નેતાઓએ આ સત્યનો સ્વીકાર કર્યો હતો કે તેમનો દેશ આતંકવાદીઓનું કારખાનુ બની રહ્યો છે. બાધેનું કહેવુ હતું કે, જે લોકો પાકિસ્તાનની કરતૂતો વિશે અવાજ ઉઠાવે છે તેઓના અપહરણ, હત્યાઓ અને ખોટી રીતે કસ્ટડીમાં રાખવાના કામ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાવવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન તેમણે ભારતના આંતરિક જમ્મુ-કાશ્મીરના મુદ્દાથી ઇસ્લામિક સહયોગ સંગઠન બહાર રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના આંતરિક મુદ્દા વિશે નિવેદને ભારત ફગાવે છે. સંગઠનને ભારતના એક અભિન્ન અને અવિભાજ્ય અંગ જમ્મુ-કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી.