નવી દિલ્હી

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે જેમાં મંગળવારે ત્રીજી અને અંતિમ ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી. પાકિસ્તાને આ મેચમાં ચાર વિકેટે વિજય હાંસલ કર્યો હતો પરંતુ ત્રણ મેચની સિરીઝ ન્યૂઝીલેન્ડે 2-1થી જીતી લીધી હતી. મંગળવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. હકીકતમાં પાકિસ્તાને ટોસ જીતીને હરીફ ટીમને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડે તેની 20 ઓવરમાં સાત વિકેટે 173 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 19.4 ઓવરમાં છ વિકેટે 177 રન બનાવીને ચાર વિકેટથી મેચ જીતી ગઈ હતી. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો તો ન્યૂઝીલેન્ડના ટીમ સેફર્ટને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. 

ન્યૂઝીલેન્ડે પ્રારંભથી વિકેટો ગુમાવી હતી પરંતુ સાથે સાથે આક્રમક બેટિંગ પણ કરી હતી. સેફર્ટે 20 બોલમાં 35 રન ફટકારી દીધા હતા જેમાં ત્રણ સિક્સરનો સમાવેશ થતો હતો તો ડેવોન કોનવેએ 45 બોલમાં 63 રન ફટકાર્યા હતા. કિવિ ટીમ માટે સર્વોચ્ચ સ્કોર ફટકારતાં કોનવેએ સાત બાઉન્ડ્રી અને એક સિક્સર ફટકારી હતી. ગ્લેન ફિલિપ્સે 20 બોલમાં 31 રન ફટકાર્યા હતા. 

174 રનના ટારગેટ સામે રમતી પાકિસ્તાનની ટીમ માટે ઓપનર મોહમ્મદ રિઝવાને જ બાજી સંભાળી લીધી હતી. તેણે આક્રમક બેટિંગ કરીને 59 બોલમાં ત્રણ સિક્સર અને દસ ચોગ્ગા સાથે 89 રન ફટકાર્યા હતા. તેને મોહમ્મદ હાફીઝનો સહકાર સાંપડ્યો હતો જેણે 29 બોલમાં જ ત્રણ સિક્સર સાથે 41 રન ફટકારી દીધા હતા. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટની સિરીઝનો 26મી ડિસેમ્બરથી પ્રારંભ થશે. માઉન્ટ મોંગેનેઈ ખાતે પ્રથમ ટેસ્ટ રમાયા બાદ બંને ટીમ ત્રીજી જાન્યુઆરીથી ક્રાઇસ્ટચર્ચમાં બીજી ટેસ્ટ રમશે.'