અમદાવાદ-

એક પાકિસ્તાની મહિલા એક અમદાવાદી યુવકના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે ના દેશ જોયો ના દેશની સરહદ. આ યુવતી માત્રને માત્ર પોતાના પ્રેમી માટે ભારતની સરહદ ગેરકાયદેસર ઓળંગી અમદાવાદ આવી પહોંચી હતી અને અહીં રહેતી હતી. જોકે એસઓજીએ આ વાતની નોંધ લઈ યુવતીની ધરપકડ કરી છે. આમ, તો સોશિયલ મીડિયા દ્વારા બનતા સંબંધોમાં એટલી વાસ્તવિકતા હોતી નથી, પરંતુ કેટલીક વાર લોકો એટલી હદ પાર કરી દે છે કે જેને જોતા નવાઈ લાગે. આ પાકિસ્તાની યુવતીને અમદાવાદના યુવક સાથે સોશિયલ મીડિયા પર પ્રેમ થઈ ગયો હતો, પરંતુ હવે આ યુવતીએ પ્રેમની કિંમત જેલમાં સજા કાપીને ભોગવવી પડશે.

કેરોલ નામની યુવતી અમદાવાદના સુજિત સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતની સીમામાં પ્રવેશ કરી અહીં વસવાટ કરતી હતી. વર્ષ 2018માં અહીં આવી લગ્ન કરી સુખી જીવન જીવતા હતા, પરંતુ આ પ્રેમ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પતિ સુજિતનો કોરોનાએ જીવ લીધો. કેરોલ અહીં આવી ત્યારે તેના પૂર્વ લગ્નથી થયેલા 2 બાળકો લઈ ને આવી હતી . તેના પાકિસ્તાનમાં પહેલા લગ્નમા છૂટાછેડા થઈ ગયા હતા. આ તરફ સુજિતના પણ છુટાછેડા થઈ ગયા હતા, જેને પણ એક દીકરી હતી, કેરોલ અને સુજિત સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા અને પ્રેમ પાંગર્યો હતો. બંનેએ લગ્ન કરવાનું નકકી કર્યું હતું. આથી કેરોલ પોતાના બંને બાળકો સાથે સુજિતની મદદથી પાકિસ્તાનથી નેપાળ ગઈ અને ત્યારબાદ તે નેપાળથી ગુજરાત પહોંચી હતી. બંનેએ કચ્છ ખાતે લગ્ન કર્યા હતા અને અમદાવાદના નવરંગપુરા ખાતે રહેતા હતા.

પ્રેમ કહાનીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સુજિતનું 4 માસ અગાઉ કોરોનાના કારણે મોત થયું. સુજિતનું કોરોનાના કારણે મોત થતા સુજિતના પહેલા લગ્ન ન સાળાએ પોતાની ભાણેજને મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુજિતના પહેલા લગ્નના સાળાએ સીઆઇડી ક્રાઈમ આઈબી ગૃહ વિભાગમાં અરજી કરી હતી અને જાણ કરી હતી કે, કેરોલ મૂળ પાકિસ્તાની છે અને ગેરકાયદે વસવાટ કરે છે. તેની ભાણેજ તેની સાથે છે અને તેનો કબજો મેળવવો છે, જે બાદ ATSએ તપાસ કરી અને એસઓજીએ ફરિયાદ દાખલ કરી કેરોલની પૂછપરછ હાથ ધરી છે.