ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીની સૌદીની આકરી ટીકા બાદ હવે ડેમેજ કન્ટ્રોલના પ્રયાસ શરૂ થઈ ગયા છે. પાકિસ્તાની અખબાર અનુસાર, પાકિસ્તાનના આર્મી ચીફ આ અઠવાડિયે સાઉદીની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્મી ચીફની આ મુલાકાત કાશ્મીર ઉપર ઉદ્ભવતા રાજદ્વારી વિવાદને શાંત કરવા માટે ચાલી રહી છે.

દાયકાઓથી આર્થિક, વ્યૂહાત્મક અને લશ્કરી મોરચે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે મજબૂત ભાગીદારી છે. વર્ષ 2018 માં, જ્યારે દેવું નહીં ચૂકવવા અને ખાલી વિદેશી વિનિમય અનામતને લીધે પાકિસ્તાન ડિફોલ્ટિંગની આરે પહોંચ્યું હતું, ત્યારે સાઉદીએ જ તેમને મદદ કરી હતી. સાઉદીએ પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન અને  3.2 બિલિયન ઓઇલ ક્રેડિટ સુવિધા આપી. આનાથી પાકિસ્તાનને ચુકવણીના સંકટમાંથી બહાર નીકળવામાં મદદ મળી.જો કે, જ્યારેથી પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાની નિષ્ક્રિયતાની ટીકા કરી છે ત્યારથી સાઉદી અરેબિયા ગુસ્સે છે. સાઉદી અરેબીયાએ પાકિસ્તાનને આ લોન ભરપાઈ કરવા જણાવ્યું છે. બે સૈન્ય અધિકારીઓએ સમાચાર એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે જનરલ કમર બાજવાની રવિવારે મુલાકાત સાઉદીને રાજી કરવાનો પ્રયાસ છે.

પાકિસ્તાનના સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિકરે એક અખબારીમાં મુલાકાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, હા, આર્મી ચીફ બાજવા સાઉદીની મુલાકાતે જઇ રહ્યા છે. જોકે સત્તાવાર રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસ પૂર્વ આયોજિત અને મુખ્યત્વે લશ્કરી બાબતોથી સંબંધિત હતો. બે અઠવાડિયા પહેલા, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને 1 અરબ ડોલરનું દેવું ચુકવવા દબાણ કર્યું હતું. જ્યારે હજી ચુકવણીની અવધિ પૂર્ણ કરવા માટે હજી સમય બાકી હતો. પાકિસ્તાને આ માટે તેના સાથી ચીન પાસેથી ઉધાર લીધું છે. સાઉદીએ પાકિસ્તાનને અપાયેલી ઓઇલ ક્રેડિટ સુવિધાને આગળ વધારવાનું વિચાર્યું પણ નથી.

રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર સાઉદી અરેબિયા જનરલ કમર બાજવાને ખુબ માન આપે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કાશ્મીર વિશે પણ ચર્ચા કરશે. આ પ્રવાસમાં સાઉદી ક્રાઉન પ્રિન્સ ઉપરાંત બાજવા કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝને પણ મળી શકે છે.પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે સાઉદી અરેબિયાએ કાશ્મીર મુદ્દે ઇસ્લામિક સહકાર સંગઠન (ઓઆઈસી) ની બેઠક બોલાવવામાં વિલંબ ન કરવો જોઇએ. કુરેશીએ ધમકીભર્યા રીતે એમ પણ કહ્યું હતું કે જો સાઉદી આમ નહીં કરે તો તે મુસ્લિમ દેશો સાથે બેઠક બોલાવશે જે કાશ્મીર મુદ્દે તેનું સમર્થન આપવા તૈયાર છે. કુરેશીએ કહ્યું કે કાશ્મીર અંગે ઓઆઈસીના વિદેશ પ્રધાનોની બેઠક બોલાવી શકાઈ નહીં કારણ કે સાઉદી અરેબિયા પાકિસ્તાનની વિનંતી સ્વીકારવામાં અચકાય છે.