પોરબંદર, અરબી સમુદ્રમાં ગુજરાત સાથે સંકળાયેલી પાકિસ્તાનીની દરિયાઈ સીમામાં પાકિસ્તાની મરીન એજન્સીની હલચલ હાલમાં ખૂબ જ વધી રહી છે. પાકિસ્તાન મરિન એજન્સી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવે છે, ત્યારે પડોશી દેશની આવી વધુ એક હરકત સામે આવી છે. જેમાં ૧૭ માછીમારોનું ૩ બોટ સાથે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત ૧૧ ફેબ્રુઆરીએ ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી ૩ બોટોમાં સવાર ૧૭ જેટલા માછીમારોનું પાકિસ્તાની મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવેલી ત્રણ બોટોમાંથી બે બોટ પોરબંદરની અને ૧ બોટ વેરાવળની હોવાનું માલૂમ પડ્યું છે.

પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા માછીમારોના અપહરણ અને બોટ જપ્ત કરવાની ઘટનાને પગલે સૌરાષ્ટ્રના માછીમાર સમાજમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. માછીમારોના અપહરણની ખબર સાંભળીને તેમના સાથી અને પરિવારજનો ચિંતિત છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અનેક માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. હાલ પણ પાકિસ્તાનની જેલોમાં ગુજરાતના અનેક માછીમારો કેદ છે.

પાકિસ્તાની નેવી કાયમ એવો દાવો કરતી રહી છે કે, ભારતીય માછીમારો પાકિસ્તાની જળસીમામાં માછલી પકડવા પહોંચી જાય છે અને પછી જ અમે તેમને પકડીએ છીએ. તાજેતરમાં ગુજરાતથી કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં પાકિસ્તાનની જેલોમાં બંધ માછીમારોનો મુદ્દો ઉઠાવ્યો. ગોહિલે કહ્યું હતુ કે, ગુજરાતની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે સંકળાયેલી છે અને પાકિસ્તાની નેવી માછીમારોને ધરપકડ કરીને તેમની બોટ કબ્જામાં લઈ લે છે. જ્યારે માછીમારોને જેલમાં ધકેલી દે છે. આવા માછીમારોને મુક્ત કરાવવામાં આવે અને તેમની બોટ સાથે તેમને પરત લાવવામાં આવે.