અમદાવાદ, ૨૦૧૯-૨૦માં શહેરની ૫૦ સ્કૂલે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ ફી વસૂલી હોવાનો વાલીઓનો આક્ષેપ છે. વાલીઓએ ફીની રસીદ, સ્કૂલોના નામ એફઆરસીને આપી આ સ્કૂલો સામે પગલાં લેવાની માગણી કરી છે. એફઆરસીએ વાલીઓએ રજૂ કરેલી વિગત અપૂરતી હોવાનું જણાવી માગણી ફગાવી છે. વાલી આગેવાન આશિષ કણજરિયાએ જણાવ્યું કે, સ્કૂલોની નક્કી કરાયેલી ફી અંગેની માહિતી આરટીઆઇથી માગવામાં આવી હતી. પણ માહિતી મળી નહીં, અમને ઘણાં વાલીઓની ફરિયાદ મળી હતી કે, સ્કૂલો વધુ ફી વસૂલે છે. તેથી અમે ફી ભરેલી રસીદની કોપી, સ્કૂલોના નામ સાથે એફઆરસીમાં ફરિયાદ કરી, પરંતુ આજ સુધી કોઇ પગલાં લેવાયાં નથી. અમારી માગ છે કે જેમની પાસેથી સ્કૂલે વધુ ફી વસૂલી છે, તે ફી વાલીઓને પરત મળે અને આ સ્કૂલો સામે કડક કાર્યવાહી થાય. ઘણી સ્કૂલો પહોંચ ન આપીને પણ ફી લઇ રહી છે. સ્કૂલોના નામ મોટા હોવાથી એડમિશન લેવાની ઇચ્છાએ વાલીઓ એ વ્યવહાર પણ કરતાં હોય છે. આર.એચ કાપડિયા, થલતેજ, મધર ટેરેસા સ્કૂલ, વડસર,સત્યમેવ જયતે સ્કૂલ, બોપલ,જે.જી ઇન્ટરનેશનલ, થલતેજ,એજ્યુનોવા સ્કૂલ, મણિનગર,એકલવ્ય સ્કૂલ, સરખેજ,હિરામાણેક સ્કૂલ, ઘોડાસર,દિવાન બલ્લુભાઇ સ્કૂલ, કાંકરિયા,નેલ્સન પ્રાઇમરી સ્કૂલ, મણિનગર,ગુરુકુળ ઇંગ્લિશ સ્કૂલ, સીટીએમ,સંત કબીર સ્કૂલ, ગુરુકુળ,રેડ બ્રિક્સ સ્કૂલ, સેટેલાઇટ,એચ.બી કાપડિયા, મેમનગર, વાલીઓના જણાવ્યા પ્રમાણે એફઆરસીની સાઇટ નિયમિત અપડેટ થતી નથી. એફઆરસીના માત્ર અમદાવાદ ઝોનમાં ચારથી વધુ જિલ્લા છતાં ઓનલાઇનમાં માત્ર ૬૦૦ સ્કૂલોની જ માહિતી છે. એફઆરસીના સૂત્રોના જણાવ્યા અનુસાર વાલીઓની ફરિયાદમાં તથ્ય હશે તો પગલાં લેવાશે. પરંતુ વાલીઓ માત્ર અરજી આપે છે, તેની સાથે કોઇ પુરાવા જમા કરાવતા નથી. વાલીઓ વધુ ફી ઉઘરાવતી સ્કૂલોના નામની સાથે તેના સચોટ પુરાવા આપશે તો ચોક્કસ પગલાં લેવાશે.