આણંદ, તા.૧ 

આણંદના હાડગુડમાં આવેલી એક નાનકડી ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળાએ આખા દેશની એજ્યુકેશન સિસ્ટમને ભણાવા જેવો પાઠ આપ્યો છે! હાડગુડની પ્રા.ગુજરાતી શાળામાં ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે માસિક કસોટીનું આયોજન શાળાના આચાર્ય હિરેન મેકવાન અને તેમનાં શિક્ષકોની ટીમ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીમાં શાળા બંધ છે, શિક્ષણ ઠપ છે. વિદ્યાર્થીઓ અલગ અલગ માધ્યમો દ્વારા ઘરે શિક્ષણ મેળવી રહ્યાં છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વોટ્‌સએપ અને વ્યક્તિગત મુલાકાત કરીને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવે છે. જૂન માસમાં વિદ્યાર્થીઓ કેટલું શીખ્યાં, શું સમજ્યાં, ક્યાં મુશ્કેલી અનુભવે છે? વગેરે બાબતોની જાણકારી મેળવવા માટેના નવતર પ્રયોગના ભાગરૂપે શાળાના આચાર્ય હિરેન મેકવાન અને તેમનાં શિક્ષકોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહકાર મેળવીને માસિક કસોટી લેવામાં આવી હતી. આ માસિક કસોટીની સૌથી મજાની વાત એ હતી કે, બાળકોએ પોતાના ઘરે રહીને જ આ કસોટી આપવાની હતી. શાળઆના આચાર્યએ આ કસોટીના સુપરવિઝન અને નિરીક્ષકની જવાબદારી જે-તે બાળકના માતા-પિતાને જ સોંપી દીધી હતી. એટલે કે, પરીક્ષાના સુપરવાઇઝર હતાં બાળકના માતા-પિતા જ! પોતાના બાળકને કેટલું આવડે છે અને કસોટીના જવાબ  સ્વપ્રયત્નથી લખે તે માટે વાલીઓનો સહકાર મેળવવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા વોટસએપની સુવિધા ધરાવતાં વાલીઓને વોટ્‌સએપ પર અને બાકીના વાલીઓને રૂબરૂમાં પ્રશ્નપત્ર તૈયાર કરીને આપી દીધું હતું. સાથે સાથે જવાબવહી આપવામાં આવી હતી. હજુ સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આ કસોટીનો એ હતો કે, પેપર લખ્યાં પછી વિદ્યાર્થીઓએ જાતે જ તપાસીને ગુણ આપવાના હતાં! પોતાનો પરીક્ષક વિદ્યાર્થીઓએ ખુદ બનવાનું હતું, જેને જેને આપણે મેનેજમેન્ટની ભાષામાં સેલ્ફરિવ્યૂ કરવાનો હતો! વિદ્યાર્થીઓએ ઈમાનદારીથી પરીક્ષકની ફરજ બજાવીને સ્વમૂલ્યાંકન પણ કર્યું હતું.  

શાળાના ધોરણ ૩ થી ૮ના ૬૯૦ વિદ્યાર્થીઓએ પ્રથમ માસિક કસોટીમાં ભાગ લઈને સ્વ મૂલ્યાંકન કર્યું હતું. શાળા દ્વારા ઉપચારાત્મક શિક્ષણ કાર્યનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એસએમસીના સભ્યો પણ આ અભિયાનમાં જાડાઈને આયોજનને સફળ બનાવવા યોગદાન આપી રહ્યાં છે. કોરોના મહામારીના સમયમાં શાળા બંધ છે ત્યારે આ નવતર પ્રયોગથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ બાબતે ઉત્સાહ જાવાં મળ્યો હતો. વાલીઓએ પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. હાડગુડ જેવાં નાના વિસ્તારે શરૂ કરેલાં આ નવતર પ્રયોગને રાજ્ય સરકાર દ્વારા મોટિવેટ કરવામાં આવે તો પ્રાથમિક ધોરણો ભણતાં બાળકોમાં સેલ્ફરિવ્યૂની આદત કેળવાઈ અને નાનપણથી જ મેનેજમેન્ટના પાઠ ભણવા માંડે. આ ઉપરાંત કોરોના કાળમાં બાળકોને ઘરે બેઠાં ભણાવા તરફની રૂચિ વધે તેમ છે.