વડોદરા,તા. ૨૮ 

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ દ્વારા ગુજરાતી માધ્યમ દ્વારા ફી ન ભરનાર ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પોલીસ પણ સ્કૂલ ખાતે દોડી ગઇ હતી. સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી.

અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સ તાજેતરમાં જ એક સર્ક્યુલર બહાર પાડીને જે વાલીઓ વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ ચાલુ રખાવવા ઇચ્છતા હોય, તેમણે ફી ભરી દેવાનું જણાવ્યું હતું અને જે વાલીઓ ફી નહિ ભરે તેમના બાળકોને ઓનલાઇન ક્લાસીસ નહિ અપાય તેવી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કુલ દ્વારા ફી ન ભરનાર ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવતા વાલીઓને ભેગા થવાની ફરજ પડી હતી. સ્કૂલ મેનેજમેન્ટ જણાવે છે કે, વાલીઓએ ગત વર્ષની ફી ભરી ન હોવાથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, વાલીઓએ એફઆરસી મુજબ ફી ભરી દીધી હોવા છતાં મેનેજમેન્ટ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. અને વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. તાજેતરમાં જ ગુજરાત હાઇકોર્ટે સ્કૂલોએ વાલીઓ પાસેથી હાલ ફી ન લેવાનો હુકમ કર્યો છે. તે અંગે સ્વનિર્ભર શાળાઓ દ્વારા એક વખત ઓનલાઇન શિક્ષણ બંધ કરીને સરકારની આ જાહેરાતનો વિરોધ કરાયા બાદ સોમવારથી પુનઃ ઓનલાઇન શિક્ષણ શરુ કરાયું હતું. તેમ છતાં અંબે સ્કૂલના સંચાલકોના ગેરવ્યાજબી વર્તનથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે. સ્કુલ બહાર એકત્ર થયેલા વાલીઓએ શાળા સંચાલકની આ પ્રકારની મનમાની અંગે રાજ્યના શિક્ષણ મંત્રી સુધી અવાજ પહોંચાડવાની તેમજ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું બંધ કરી દેવામાં આવેલું ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવા ઉચ્ચારી હતી. ઉલ્લેખનિય છે કે, હાઇકોર્ટના હુકમ બાદ વડોદરાની મોટાભાગની સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ, હજી માંજલપુર ખાતે આવેલી અંબે સ્કૂલ જેવી સ્કૂલો દ્વારા ફી વસુલ કરવા માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. ફી મુદ્દે એકઠા થયેલા વાલીઓએ આજે અંબે વિદ્યાલય સામે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી.