આંધ્રપ્રદેશ, ૧૯  

રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી આજે અમરાવતીમાં આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ પદે ચૂંટાયા હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ નથવાણીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું રાજ્યના બહુમુખી પ્રતિભા ધરાવતા અને લોકપ્રિય મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. તેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યાને એક વર્ષ થયું છે અને તેમણે આ એક વર્ષમાં તેમણે આપેલા વચનોમાંથી લગભગ 90 ટકા વચનોની પૂર્તિ કરી છે અને બાકીના ચાર વર્ષોમાં પણ તેઓ રાજ્યના સમગ્રલક્ષી વિકાસ માટે ઘણું કાર્ય કરશે. અમારા મુખ્યમંત્રીએ નવરત્નાલુ એટલે કે નવ કલ્યાણકારી યોજનાઓનો તેમણે આપેલા વચન મુજબ અમલ કર્યો છે અને આ યોજનાઓ દ્વારા ઘણી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.”

 નથવાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, “આંધ્રપ્રદેશના વિકાસ માટે હું સંપૂર્ણપણે પ્રતિબધ્ધ છું અને મુખ્યમંત્રી અને તેમની ટીમ સાથે મળીને રાજ્યના વિકાસ માટે કાર્ય કરીશ. ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેના મારા 12 વર્ષના તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કામ કરવાના દાયકાઓના મારા બહોળા અનુભવને હું કામે લગાડીશ.”

સતત બે ટર્મ (12 વર્ષ) સુધી ઝારખંડથી રાજ્ય સભાના સભ્ય રહેલા પરિમલ નથવાણીએ ઉદાહરણરૂપ કામગીરી કરી હતી અને તેમના સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ (એ.પી.એલ.એ.ડી.) અને સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસ.એ.જી.વાય.) ભંડોળનો લગભગ 100 ટકા ઉપયોગ માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા અને કૌશલ વિકાસ, વગેરે માટે કર્યો હતો. એસ.એ.જી.વાય. અંતર્ગત દત્તક લીધેલા ત્રણ આદર્શ ગ્રામ પંચાયતો બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાદાગ અને તેમના દ્વારા અહીંયા કરવામાં આવેલા વિકાસના કાર્યોનો વ્યાપ ખૂબ જ બહોળો છે.

નથવાણી આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર  મૂકેશ અંબાણીની કોર ટીમના મુખ્ય સભ્ય તરીકે પ્રસિધ્ધ છે. તેઓ રિલાયન્સના સ્થાપક ધીરૂભાઈ અંબાણીને પોતાના મેન્ટર અને આદર્શ માને છે. તેમણે ગુજરાતમાં જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી સંકુલ સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવવા ઉપરાંત દેશના પશ્ચિમી રાજ્યોમાં રિલાયન્સ પેટ્રોલિયમ રીટેલ આઉટલેટ, રિટેલ વ્યવસાય, ગેસ પરિવહન પાઇપલાઇન અને જિયો મોબાઇલ નેટવર્ક સહિતના માળખાકિય પ્રોજેક્ટના અમલીકરણમાં પણ અહમ ભૂમિકા ભજવી હતી.