વડગામ : વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખપદની બુધવારના રોજ ચૂંટણી યોજાનારી છે. મંગળવારે ભાજપ તથા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પોતાના ટેકેદારો સાથે પ્રમુખ તેમજ ઉપપ્રમુખપદ માટેના ઉમેદવારી ફોર્મ સભ્યોની દરખાસ્ત સાથે રજૂ કરાયા છે.જેમા ભાજપમાંથી પ્રમુખપદ માટે પરથીભાઇ ગોળે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ઉપપ્રમુખપદ માટે મુમનવાસ બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાઇ આવેલા મહિલા સદસ્ય શ્રીમતી સવિતાબેન બેગડીયાએ ભાજપમાંથી ઉપપ્રમુખપદે ઉમેદવારી કરતાં કોંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.જયારે કોંગ્રેસમાંથી પ્રમુખપદ માટે શ્રીમતી નિતાબેન ગોળ તથા ઉપપ્રમુખપદ માટે શ્રીમતી જયાબેન શક્તિસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી છે.  

વડગામ તાલુકા પંચાયતના નાયબ ટીડીઓ જેઠાભાઇ વળાગાઠ તથા વિસ્તરણ અધિકારી મફાજી રાજપૂતની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપના આગેવાનો ગેલમાં જોવા મળી રહ્યા છે.કોગ્રેસના આગેવાનોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે.વડગામ તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાએ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી લઇને તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.જયારે કોંગ્રેસના અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઇમરાનભાઇ જગરાળાએ કોંગ્રેસ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ દબદબો યથાવત્‌ રાખશે.પ્રમુખ અને ઉપપ્રમુખ કોંગ્રેસના ચુંટાઇ આવશે તેવો દાવો કર્યો હતો. ભાજપતાલુકા પંચાયતમાં કોંગ્રેસ પોતાનો ગઢ જાળવી રાખે છે કે ગુમાવે છે હવે જોવાનું રહ્યું. આ પ્રસંગે વડગામ તાલુકા ભાજપના પ્રમુખ પ્રવિણસિંહ રાણા,સતિષ ભોજક,ભગવાનસિહ સોલંકી તેમજ કોંગ્રેસમાંથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવિણસિંહ હડીયોલ, જિલ્લા પંચાયત પુર્વ સદસ્ય અજીતસિંહ હડીયોલ સહીત તાલુકા પંચાયત ખાતે હાજર રહ્યા હતા. તાલુકા પંચાયત બચાવવા માટે શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપી છે.